
#DahodLive#
71 કરોડના મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોની જામીન સામે રીવીઝન અરજી મુદ્દે 9 મીએ સેશન્સમાં સુનવણી.!!
ચીફ કોર્ટના ચુકાદા સામે રિવિઝન વિથ સ્ટે અરજીમાં સુનવણી હાથ ધરાઈ:બંને મંત્રીપુત્રો પોલીસ કસ્ટડીમાં..
ભાણપુરના મનરેગા કૌભાંડમાં બળવંત ખાબડના 5 દિવસના રિમાન્ડ મંજૂર..
દાહોદ તા.02
દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોને ચીફ કોર્ટ દ્વારા જામીન આપી હતી. જેના સામે પોલીસે બંને મંત્રીપુત્રોના રિવિઝન અરજી વિથ સ્ટે સેશન્સ કોર્ટમાં ફાઇલ કરતા આ મામલે આજે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી પર સુનવણી હાથ ધરાઈ હતી.જેમાં કોર્ટ દ્વારા વધુ સુનવણી માટે 9 જુનનો સમય આપ્યો છે. ત્યારે હવે આ મામલે રિવિઝન અરજી ઉપર સુનવણી મહત્વપૂર્ણ બની છે. દરમિયાન બંને મંત્રી પુત્રો સામે અલગ અલગ ગુનાઓ દાખલ થતાં હાલ બંને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ ઉપર છે.
દાહોદના બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં ધાનપુર અને દેવગઢબારિયાના ત્રણ ગામોમાં મોટાપાયે ગેરેરીતિ આચરી હોવાનું ડીઆરડીએ નિયામક મારફતે કરાવેલી સ્થળ તપાસમાં વચગાળાના અહેવાલમાં ઘટસ્ફોટ થયો હતો.જેમાં મનરેગાના કામોમાં માલ સામાન સપ્લાય કર્યા વગર રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડની શ્રી રાજ કન્સ્ટ્રક્શન કુ. પીપરોને 9 કરોડ તેમજ કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સને 22 કરોડ મળી કુલ 30 કરોડની રકમની લહાણી કરી દેવામાં આવી હતી. જેના સંદર્ભમાં ડીઆરડીએ નિયમક દ્વારા ગુનો રજીસ્ટર કરાવતા પોલીસે બંને મંત્રી પુત્રોની ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ જ્યુડિશલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને મંત્રી પુત્રોએ દાહોદની ચીફ કોર્ટમાં જામીન અરજી મુકતા સુનવણીના અંતે કોર્ટે બંનેને જામીન આપતા પોલીસે તાબડતોડ જામીન ઉપર સ્ટેની માંગણી કરતા કોર્ટે બીજા દિવસે સુનાવણી રાખી હતી. ત્યારબાદ બીજા દિવસે સુનવણી દરમિયાન ત્રણ વાર વચ્ચે બ્રેક પડ્યો હતો અને 3:30 વાગે ચીફ કોર્ટે બંનેને જામીન મુક્ત કરતા પોલીસે ચીફ કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી વિથ સ્ટે ફાઇલ કરતા સેશન્સ કોર્ટે બંને મંત્રી પુત્ર સામે નોટીસ ઈશ્યૂ કરી સોમવારે કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું હતું. જે સંદર્ભે આજે આ મામલે કોર્ટમાં સુનાવણી થતા કોર્ટે વધુ સુનવણી માટે 9 જૂન ની તારીખ આપતા હવે આ મામલે આગામી તારીખ પર સુનવણી હાથ ધરાશે.
*બન્ને મંત્રી પુત્રો હાલ જેલમાં છે.*
કોર્ટમાં આજે રિવિઝન અરજી ઉપર સુનવણી હતી. જેમાં બંને મંત્રી પુત્રોને હાજર થવાનું હતું. પરંતુ આ પહેલા જ જામીનમુક્ત થયાના દિવસે જ દેવગઢ બારીયાના લવારીયામાં મનરેગા કૌભાંડ મામલે ગુનો દાખલ કરી કિરણ ખાબડની પોલીસે જેલ બહારથી ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ બે દિવસ બાદ ધાનપુરના ભાણવડમાં 33 લાખના મનરેગા કૌભાંડ મામલે પોલીસે ત્રીજી ફરિયાદ દાખલ કરી બળવંત ખાબડની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એટલે આ બંને મંત્રી પુત્રો હાલ પોલીસ કસ્ટડીમાં હોવાથી હવે વધુ સુનવણી 9 જૂને હાથ ધરાશે..
*પોલીસની રિવિઝન અરજી મામલે કોર્ટનો ચુકાદો મહત્વપૂર્ણ બની રહેશે.*
પોલીસે બંને મંત્રી પુત્રો સામે સેશન્સ કોર્ટ રિવિઝન અરજી ઉપર આગામી સમયમાં સુનવણી હાથ ધરી પોલીસના તરફે ચુકાદો આપે તો બંને મંત્રી પુત્રોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અને જો મંત્રીપુત્રોની તરફેણમાં ચુકાદો આપે તો બંને વિરુદ્ધ દાખલ થયેલા વધુ ગુનામાં જામીન મેળવવા માટેની રાહ સરળ બની જશે.
*બળવંત ખાબડના 5 દિવસના રિમાન્ડ મંજૂર.*
ધાનપુર તાલુકાના ભાણપૂરમાં મંત્રી પુત્ર બળવંત ખાબડની એજન્સી શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ. પીપરોએ મનરેગાના 11 કામો કાગળ પર બતાવી 33 લાખ ના બિલ પાસ કરાવી લીલા હતા જે સંદર્ભે ગુનો દાખલ થતા આ પોલીસે બળવંતની ધરપકડ કરી ગઈકાલે મોડીરાત્રે જજ સમક્ષ રજૂ કરી 13 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે સંદર્ભમાં પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.