*ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પહેલગાંવના આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પહેલગાંવના આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો*

સુખસર,તા.25

 જમ્મુ કાશ્મીરના પહેલગાવ ખાતે 22 મી એપ્રિલના રોજ બપોરના ઇસ્લામિક આતંકવાદીઓએ ધર્મ પૂછી,કપડાં ઉતરાવી 26 જેટલા નિર્દોષ હિન્દુઓને ગોળીએ દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા.આ ઘટનાના પગલે સમસ્ત દેશવાસીઓ સ્તંબ્ધ બન્યા હતા

અને ઈસ્લામિક આતંકવાદીઓની આ નાપાક હરકતો વિરુદ્ધ સમગ્ર દેશમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.અને આ જધન્ય કૃત્યને દેશવાસીઓએ સખત શબ્દોમાં વખોડ્યુ છે.તેમજ આતંકવાદ વિરુદ્ધ કાર્યક્રમ તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો ઠેર ઠેર યોજાઇ રહ્યા છે.તેવી જ રીતે આજરોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આતંકવાદીઓના પૂતળા દહનબાઈક રેલી કાઢી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. 

       જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ ટુરિસ્ટની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.જેમાં 26 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આતંકવાદીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા સુખસર પંથક સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સુખસર નગર માંથી આતંકવાદ મુર્દાબાદ,પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સુખસરથી બલૈયા સુધી પોલીસના કાફલા સાથે મોટી સંખ્યામાં બાઈક રેલી યોજવામાં આવી હતી.જ્યારે સાંજના સમયે આતંકવાદીઓના હાથે શિકાર બનેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં હિંદુ, મુસ્લિમ સમાજના સર્વે સભ્યોએ હાજર રહી મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.અને આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.તેમજ આતંકવાદી કે જેઓ આ જનધ્ય કૃત્ય આચરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેના માટે આહવાન કરવામાં આવ્યું હતું.

Share This Article