
બાબુ સોલંકી :- સુખસર
*દાહોદ,પંચમહાલ,મહીસાગર જિલ્લાના રોહિત સમાજના ચાર પરગણામાં લગ્નમાં દહેજના નામે લાખો રૂપિયાની રકમ વસુલતા દીકરીના પિતા!?*
*રોહિત સમાજ સંગઠન દ્વારા દીકરીના લગ્નમાં ખર્ચ પેટે માત્ર રૂપિયા 61,000 રોકડ તથા છોકરા પક્ષની યોગ્યતા પ્રમાણે કન્યાને મર્યાદિત દાગીના આપવાનું બંધારણ ધડવામાં આવેલ છે*
*હાલ રોહિત સમાજની દીકરી સાથે સમાજના યુવાન સાથે લગ્ન કરાવવા પાંચ થી સાત લાખની રોકડ રકમ દીકરીના પિતા દ્વારા દહેજ પેટે વસૂલવામાં આવે છે*
સુખસર,તા.13
દહેજ આપવું કે લેવું તે ગુન્હો છે.છતાં કેટલાક સમાજોમાં દીકરી પક્ષ તરફથી વર પક્ષને દહેજ આપવાનો અને કેટલાક સમાજોમાં વર પક્ષ દ્વારા કન્યા પક્ષને દહેજ આપવાનો કુરિવાજ ફુલ્યો ફાલ્યો છે.તેમાં રોહિત તથા આદિવાસી સમાજમાં કન્યા પક્ષ વાળા વર પક્ષ પાસેથી લાખો રૂપિયા વસુલાત કર્યા બાદ લગ્ન સંભવિત બને છે.અને તેમાં આદિવાસી સમાજમાં જાગૃતિ આવતા દહેજની રકમમાં સુધારો કરી બંધારણ કરવામાં આવેલ છે.અને થોડા અંશે દહેજની રકમમાં સુધારો પણ થયો છે.જ્યારે રોહિત સમાજમાં સમાજના સંગઠન દ્વારા કુરિવાજોને તિલાંજલિ આપી લગ્નના ખર્ચ પેટે વર પક્ષ તરફથી કન્યા પક્ષને સામાન્ય રકમ તથા મર્યાદિત દાગીના આપવાનું બંધારણ ઘડવામાં આવેલ છે.પરંતુ સમાજના લોકો બંધારણની પણ ઐસીતૈસી કરી છડેચોક દહેજ પેટે લાખો રૂપિયા વસૂલાત કરી રહ્યા હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે.
વિગતે જોઈએ તો દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં રોહિત સમાજની વસ્તી સારા એવા પ્રમાણમાં છે.જેમાં મોટાભાગે શિક્ષિત લોકો પણ છે.ત્યારે વર્ષોથી ચાલી આવતા સામાજિક પ્રસંગોમાં જે રિવાજના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલિ આપવા રોહિત સમાજ ચાર પરગણાનું સંગઠન પણ કાર્યરત છે. તેમાં હુતીયા,મિયોઢ,છત્રી, તથા બારીયા પરગણા નો સમાવેશ થાય છે. અને આ પરગણાઓ માટે એક મંડળ પણ કાર્યરત છે. અને આ સંગઠન દ્વારા ઘડવામાં આવેલ બંધારણ પ્રમાણે દીકરીના લગ્ન પ્રસંગે ખર્ચ પેટે રૂપીયા 61,000 રોકડ તથા છોકરા પક્ષની યોગ્યતા પ્રમાણે કન્યાને મર્યાદિત દાગીના આપવાનું બંધારણ ઘડવામાં આવેલ છે.સંગઠન દ્વારા સમાજમાં સુધારો થાય તે હેતુથી રોહિત સમાજના કોઈપણ પ્રસંગમાં સામાજિક રિવાજોનું બંધારણ પણ ઘડવામાં આવેલ છે.પરંતુ મોટાભાગના લોકો ભૂતકાળ છોડવા માંગતા ના હોય તેમ કુરિવાજોને વળગી રહેલા છે.અને તેવી જ રીતે આ ચાર પરગણામાં રહેતા રોહિત સમાજના લોકો લગ્ન પ્રસંગોમાં અઢળક ખર્ચ કરી સમાજમાં માથું ઊંચું રાખવા મથી રહ્યા છે.અને તેમાં પરણીત પુત્રી સહિત છોકરા પક્ષનો પરિવાર જિંદગી પર્યંત રીબાઇ-રીબાઇને જીવન વ્યતિત કરતા હોવાના અનેક કિસ્સા મોજુદ છે.અને જેનું મુખ્ય કારણ છે છોકરી પક્ષ દ્વારા દીકરીના લગ્ન માટે છોકરા પક્ષ પાસેથી હાલ પાંચથી સાત લાખ રૂપિયા દહેજ પેટે કન્યાના પિતા રોકડ રકમ વસૂલાત કરી રહ્યા છે.અને આ રકમ ઉપરાંત છોકરાના લગ્નના ખર્ચ માટે ખર્ચ થતી રકમ મળી દશ લાખ રૂપિયાની આસપાસ પહોંચી જતી હોય છે.
બીજી બાજુ જોઈએ તો આ ચાર પરગણામાં રોહિત સમાજના કેટલાક નોકરીયાત લોકોને બાદ કરતા મોટાભાગના લોકો ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધા ઉપર પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.અને રોહિત સમાજના મોટા ભાગના લોકોને ખેતીવાડી પણ નહિવત્ પ્રમાણમાં છે.તેમાં મજૂરી કરતા પરિવારને દશ હજાર રૂપિયા ભેગા કરતા મહિનાઓ કે વર્ષ વીતી જતાં હોય છે.ત્યારે દીકરાના લગ્ન માટે દસ લાખ રૂપિયા જેટલા નાણા ભેગા કરવા સામાન્ય બાબત નથી.છતાં દીકરાના લગ્ન માટે ગરીબ પરિવારના લોકો મહેનત મજૂરી ઉપરાંત પોતાની રહી સહી મિલકત હોય તે વેચાણ કરે અથવા તો પાંચ,દશ,પચ્ચીસ ટકાના વ્યાજે નાણાં લાવી દીકરાનું લગ્ન કરાવતા હોય છે.ત્યારબાદ પિતાએ પરણાવેલી દિકરી સહિત છોકરા પક્ષનો આખો પરિવાર વર્ષો સુધી મહેનત મજૂરી કરી દીકરાના લગ્નમાં થયેલ ખર્ચ પૂરો કરવા પારકા લોકોની કાળી મજૂરી કરતા હોય છે.જોકે આ લેણું પૂરું નહીં થતાં પોતાની પરણાવેલી દીકરી અને જમાઈ તો ઠીક પરંતુ તેમના સંતાનો પણ આપેલી દહેજની રકમની ભરપાઈ કરી મદદરૂપ થવા નાનપણથી ભણતરના બદલે મજૂરી ધંધા તરફ વળી જતા હોય છે.અને જેના લીધે રોહિત સમાજ અઢારમી સદી તરફ ધકેલાતો જઈ રહ્યો છે.છતાં કેટલાક લોકો બંધારણ પ્રમાણે સામાજિક રીત રિવાજોમાં નહીં રહી મનમાની ચલાવી રહ્યા છે.અને આવી જ રીતે સમાજ વર્તતો રહેશે તો ભવિષ્યની પેઢીની શું દશા હશે?તેમજ એક થી વધુ પુત્રો હોય તેવા પિતાની દશા કેવી થાય?તે કલ્પના માત્ર ધ્રુજાવી મૂકે છે!
અહીંયા એ પણ નોંધનીય બાબત છે કે,પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં તેમજ દાહોદ વિસ્તારના કેટલાક તાલુકાઓમાં દહેજની સામાન્ય રકમથી દીકરીના લગ્ન કરવામાં આવી રહ્યા છે.તેમાં પણ કોઈ શંકા નથી.કેટલાક સમજદાર અને સમાજને આગળ ધપાવવા માંગતા લોકો કંકુની અથવા કન્યાના દહેજ પેટે સામાન્ય રકમ લઈ દીકરીને લગ્ન કરાવી આપે છે.પરંતુ ખાસ કરીને આ દહેજ પ્રથા પંચમહાલ તથા મહીસાગરના પૂર્વ ભાગમાં તથા દાહોદ જિલ્લાના ફતેપુરા,લીમખેડા,ઝાલોદ,સીંગવડ તાલુકાઓમાં દહેજ પ્રથા ફુલીફાલી છે.અહીંયા એ પણ જણાવી દઈએ કે,રાજસ્થાન મધ્યપ્રદેશના વિસ્તારોના રોહિત સમાજમાં કન્યાના દહેજ પેટે સામાન્ય રકમ લઈ લગ્ન કરાવવાનો રિવાજ પ્રચલિત છે.
પરંતુ ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાન,મધ્યપ્રદેશના વિસ્તારના કેટલાક લોકો દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના કેટલાક ગામડાઓમાં દીકરીઓના લગ્ન કરાવી ઉંચી રકમ પેટે દહેજના નાણા માટે લલચાઇ લગ્ન કરાવી રહ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ છે.જોકે જે લોકો લાખો રૂપિયા દીકરીના દહેજ પેટે વસુલાત કરી રહ્યા છે તે જગ જાહેર બાબત છે પરંતુ આ બાબતથી સમાજના મર્યાદિત લોકોને જાણ કરવામાં આવે છે.જ્યારે દહેજની ઉંચી રકમ આપ-લે માટે વર તથા કન્યા પક્ષના મોટાભાગના સમાજના સભ્યોને અંધારામાં રાખવામાં આવતા હોવાનું પણ જાણવા મળે છે.પરંતુ જ્યારે કોઈક કિસ્સામાં છૂટાછેડા જેવુ પગલું ભરાતું હોય ત્યારે વર પક્ષે કરેલ લાખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ જતો હોય છે. ત્યારે છોકરા પક્ષે અંધારા ખૂણામાં જઈ આંસુ સારવા સિવાય કોઈ આરો રહેતો નથી.
આમ પંચમહાલ,દાહોદ તથા મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારના રોહિત સમાજના લોકો દીકરીના દહેજ પેટે લાખો રૂપિયા વસૂલાત કરી સમાજને અધોગતિ તરફ ધકેલી રહ્યા છે.ત્યારે તે બાબતે સમાજના આગેવાનો સહિત દહેજ વિરોધી તંત્રો દ્વારા ધ્યાન આપી 18 મી સદી તરફ જઈ રહેલા રોહિત સમાજને બચાવવા પહેલ કરવામાં આવે તેવી સમાજના જાગૃત લોકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.