
રાજેશ વસાવે :- દાહોદ
*સરકારશ્રીના બાગાયતી વિભાગ તરફથી ફૂલવંતીબેનને નેટ બાંધકામ માટે રૂ. ૨ લાખ ૫૨ હજાર ૫૦૦ ની સહાય મળી*
*સ્વ-રોજગારલક્ષી બાગાયતી નર્સરી યોજનાની સહાય આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા ખેડૂત ફુલવંતીબેન(લાભાર્થીના પત્ની)*
દાહોદ તા. 30
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ગામના રહેવાસી હુરસીંગભાઇ માલ પોતે સરકારી શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે, સાથોસાથ તેઓ વર્ષોથી ખેતી પણ કરે છે. તેમનું માનવું છે કે, આપણે મૂળ ખેડૂત છીએ જેથી કરીને ગમે એવી નોકરી કરવા છતાં ખેતી કરવી ન છોડવી જોઈએ. તેઓ તમામ પ્રકારના સીઝનલ પાક તેમજ શાકભાજી કરીને ખેતી માટે અગ્રેસર પણ રહ્યા છે. વર્ષ ૨૦૧૨ માં આત્મા પ્રોજેક્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓએ પ્રાકૃતિક ખેતી અપનાવી હતી.
હુરસિંગભાઈના પત્ની કે જેઓ મોટેભાગે ખેતીકામ સંભાળે છે, તેમની જોડે વાત કરતા તેમણે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, પહેલા અમે શાકભાજી ખુલ્લા ખેતરમાં કરતાં હતા ત્યારે પશુ-પક્ષીઓ અને ભુંડના ત્રાસના કારણે શાકભાજી અને કરેલ વાવેતરમાં અમને મોટું નુકસાન થતું હતું. ખેતી પાછળ કરેલો ખર્ચો પણ તેમાંથી નીકળતો ન હતો. ઊભો પાક બરબાદ થતો અને ઉપરથી તેની પાછળ કરેલી મહેનત અને ખર્ચ બધું એળે જતું હતું. એમ કહીએ કે, ખોટ જ ભાગે આવતી હતી.
અમને સરકારશ્રીના બાગાયતી વિભાગ તરફથી મળતી સ્વ-રોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ હેઠળ મળતી આર્થિક સહાય વિષે જાણકારી મળી, એટલે અમે સહાય મેળવવા ઓનલાઈન પ્રોસેસ કરી હતી. ગુજરાત સરકારના ઇ-ખેડૂત પોર્ટલ પર જઈને સ્વ રોજગારલક્ષી બાગાયતી નર્સરી યોજના માટે પૂર્વ મંજૂરી માટે અરજી કરી હતી. અરજીની મંજૂરી મળ્યા બાદ સ્વખર્ચે ૩ લાખ ૫૦ હજારનો ખર્ચ કરી સરકાર દ્વારા પસંદ કરેલી સર્ટીફાઇડ કંપની દ્વારા નર્સરી બનાવી હતી.
ત્યારબાદ બાગાયતી વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જઈ ચકાસણી કરીને નર્સરી ખરેખર કેટલી જગ્યામાં બનાવેલ છે. નક્કી કરેલ માપ મુજબ છે કે નહી તેની તપાસ કરી વિગતો લઈ સાધન સામગ્રીના કાગળો જમા લઈને રૂપિયા ૨ લાખ ૬૨ હજાર ૫૦૦ ની સહાય મંજુર કરી ૭૫ % જેટલી સરકારે સહાય ચૂકવી હતી. જે આપણા જેવા સામાન્ય ખેડૂતો માટે કઈ નાની રકમ કહેવાય નહી.
હાલ તેમની નર્સરીમાં ટામેટા, રીંગણ, બટાકા, ડુંગળી, મરચા, પાલક, પરવળ, દુધી, ચોળી, ધાણા, અળવી તેમજ લસણ સહિતના શાકભાજી કરેલા છે. પપૈયાના છોડ ઉછારેલ છે. તેઓ મરચા, ટામેટા, રીંગણ, ડૂગળી અને લસણ જેવા શાકભાજી પાકના ધરૂ કરીને વેચે છે, જે થકી તેઓને સારી આવક પણ થાય છે.
તેઓ જણાવે છે કે, પહેલાની સ્થિતિએ હવે નર્સરીમાં કરેલા શાકભાજીને પક્ષી-પશુનો અને તેમાં ખાસ કરીને ભુંડ અને નીલગાયના ત્રાસથી છુટકારો મળ્યો છે. હવે સાચવવા માટે કોઇ માણસ પણ રાખવો પડતો નથી. આ સ્વ રોજગારલક્ષી બાગાયતી નર્સરી યોજનાની સહાય આપવા બદલ ફુલવંતીબેન સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે.
૦૦૦