
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના કંથાગરનો 25 વર્ષિય યુવાન હાઈ વૉલ્ટેજ ટાવર વાળી વિજ લાઇનના થાંભલા ઉપરથી પટકાતાં મોત*
*માનસિક સંતુલન ગુમાવી બેઠેલો યુવાન હાઈ વોલ્ટેજ વીજ લાઈનના ટાવર ઉપર ચડતા બેલેન્સ નહીં જળવાતા માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓના કારણે મોતને ભેટ્યો*
સુખસર,તા.10
ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં એક કમોતના બનાવની શાહી જ્યાં સુકાતી નથી ત્યાં જ બીજો કમોતનો બનાવ બની રહ્યો છે.તેવી જ રીતે રવિવાર સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કંથાગરનો માનસિક સંતુલન ગુમાવી બેઠેલો એક યુવાન હાઈ વૉલ્ટેજ વીજ લાઈનના ટાવર ઉપર ચડતા પકડી રાખેલ લોખંડની એંગલ છૂટી જતા નીચે પટકાતા માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કંથાગર ગામના ઉસરા ફળિયા ખાતે રહેતા અશ્વિનભાઈ મુકેશભાઈ ભેદી(ઉંમર વર્ષ.25)નાઓ ખેતીવાડી તથા છુટક કામ ધંધો કરી પોતાના ઘરનું ગુજરાત ચલાવતા હતા. અને જેઓના પાટવેલ ગામે લગ્ન થયેલા હતા.અને હાલ તેઓને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. તેમજ તેઓની પત્ની દોઢ વર્ષથી પિયરમાં બેઠેલી છે.જ્યારે અશ્વિનભાઈ ભેદી કોઈક કારણોસર માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા.જેઓ રવિવાર સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કંથાગર ગામ માંથી પસાર થતી હાઈ વૉલ્ટેજ ટાવર વાળા વીજ લાઇનના થાંભલા(ટાવર)ઉપર ચડી ગયેલા અને હાથમાં પકડી રાખેલ લોખંડની એંગલ છૂટી જતા બેલેન્સ નહીં રહેતા ઉંધા માથે પટકાતા હાઈ વોલ્ટેજ લાઈનની એંગલ માથાના ભાગે વાગતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.તેમજ શરીરને પણ નાની- મોટી ઇજાઓ થવા પામી હતી.જેથી અશ્વિનભાઈને તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે ઇજાગ્રસ્ત અશ્વિનભાઈ ભેદીને મૃત જાહેર કર્યા હતા.આ બાબતે સુખસર પોલીસને જાણ કરતા સુખસર પોલીસે કાર્યવાહી શરૂ કરી લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ માટે મોકલી આપી હતી.
ઉપરોક્ત બાબતે મૃતક અશ્વિનભાઈ ભેદીના ભાઈ દિનેશભાઈ મુકેશભાઈ ભેદીએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બી.એન.એસ.એસ-194 મુજબ અકસ્માત મોત અન્વયે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.