દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે કોરીડોરના ઝાલોદના 14 ગામોના ખેડૂતોએ પાક નુકસાનના વળતરની માંગ કરી..
દાહોદ તા.12
ઝાલોદ તાલુકાના 14 ગામોના દિલ્હી-મુંબઈ કોરીડોરના અસરગ્રસ્ત ખેડુતોએ હાઈવેના કારણે ખેતરમા પાણી ભરાવાથી પાક નિષ્ફળ જતા વળતર પેટે 2 કવિન્ટલ ઘઉં અને 2 કવિન્ટલ મકાઈ આપવાની માંગ સાથે ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પાક નિષ્ફળનું વળતર નહિ આપવામા આવે તો ફરીથી 16મી ડિસેમ્બરે હાઈવેની કામગીરી બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
દાહોદ જિલ્લામાં જ્યારથી દિલ્હી-મુંબઈ કોરીડોરની જમીન સંપાદન કરવાની કામગીરીની શરૂઆત કરવામા આવી હતી ત્યારથી ખેડુતો પોતાની માંગોને લઈને વિરોધ પ્રદર્શન અને આંદોલનો કરી રહ્યા છે, જે સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે કોરિડોર પસાર થતાં સરકાર દ્વારા ખેડૂતોની જમીનો સંપાદન કરતા આ હાઇવેમાં ગઈ હતી. જેમાં ખેડુતોની મુળભુત સુવિધાઓ સહિત અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થતા આ સમસ્યાઓનો નિકાલ કરવા માટે ખેડુતોએ અનેક આંદોલનો, આવેદનપત્રો પાઠવી રજૂઆતો કરી હતી. જે આંદોલનને લઈને વહીવટીતંત્ર અને હાઈવે ઓથોરીટી દ્વારા આખરે ખેડૂતો સાથે બેઠક કરી ખેડૂતોની 17 માંગણીઓમાંથી 16 માંગણીઓનો વહીવટીતંત્ર દ્વારા સ્વીકાર કરી નિકાલ કરવામા આવ્યો હતો.ખેડૂતોની એક માંગને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. આજે ફરીથી ખેડૂતોએ ભેગા થઈ ખેતરમાં પાણી ભરાઈ જવાથી ખેતરમાં ખેતી કરેલા પાક નિષ્ફળ જતા તેના વળતર માટે પ્રાંત અધિકારી ઝાલોદને આવેદનપત્ર આપીને વળતર પેટે 2 કવિન્ટલ ઘઉં અને 2 કવિન્ટલ મકાઈ આપવા માટે રજુઆત કરી હતી, હાઈવે ઓથોરીટી અને વહીવટીતંત્ર દ્વારા 15મી ડિસેમ્બર સુધી ખેડૂતોની છેલ્લી બાકી રહેલ માંગણીનો સ્વીકાર નહીં કરવામા આવે તો 16 ડિસેમ્બરના રોજ ફરી એકવાર હાઈવેની ચાલતી કામગીરી બંધ કરાવવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.