Wednesday, 22/01/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના કંથાગરના ખેડૂતને તાલુકા સભ્ય દ્વારા ભેંસો અપાવવાના બહાના હેઠળ રૂપિયા 33 હજારની છેતરપિંડી કરતા રજૂઆત કરાઈ*

December 11, 2024
        1545
ફતેપુરા તાલુકાના કંથાગરના ખેડૂતને તાલુકા સભ્ય દ્વારા ભેંસો અપાવવાના બહાના હેઠળ રૂપિયા 33 હજારની છેતરપિંડી કરતા રજૂઆત કરાઈ*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના કંથાગરના ખેડૂતને તાલુકા સભ્ય દ્વારા ભેંસો અપાવવાના બહાના હેઠળ રૂપિયા 33 હજારની છેતરપિંડી કરતા રજૂઆત કરાઈ*

*છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતે 27 સપ્ટેમ્બર-2024 ના રોજ સુખસર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી*

*પોલીસ દ્વારા લેખિત ફરિયાદની તપાસ નહીં કરતા 20 નવેમ્બર- 2024 ના રોજ ઝાલોદ ડી.વાય.એસ.પી,દાહોદ પોલીસવડા સહિત રેન્જ આઇ.જી ને રજૂઆત કરવામાં આવી છે*

*તાલુકા પંચાયત કંથાગર સીટના તાલુકા સભ્ય દ્વારા તાલુકાની યોજના માંથી ભેસો આપવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ*

સુખસર,તા.11

 દાહોદ જિલ્લાનો ફતેપુરા તાલુકો એટલે ભ્રષ્ટાચારનું એક પ્રકારનું એપી સેન્ટર જ્યાં ગરીબોને કોઈ પણ યોજના હોય કે સરકારી યોજના જ બહાર પાડી ન હોય તેવી ઉપજાવી કાઢેલી યોજનાઓથી પણ કેટલાક તકવાદી તત્વો પ્રજાને ઉલ્લુ બનાવી છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે તેવી જ રીતે કંથાગરના એક ખેડૂતને કંથાગર તાલુકા સભ્ય દ્વારા તાલુકાની યોજના માંથી ભેંસો આપવાની લાલચ આપી રોકડ નાણા પડાવી લઈ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળે છે. 

       મળતી માહિતી અનુસાર કંથાગર ગામના ઈશ્વરભાઇ સોમાભાઈ મછાર ને કંથાગર તાલુકા પંચાયતના સભ્ય અને  હિંદોલીયા ગામના ચાલુ તાલુકા સભ્ય મિનેષ બારીયાએ એક વર્ષ અગાઉ કંથાગર ગામના ઈશ્વરભાઈ મછારને જણાવેલ કે,હાલમાં તાલુકા પંચાયત દ્વારા ખેડૂત અને પશુપાલકો માટે ભેંસો આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.અને ફોર્મ ભરવાના ચાલુ છે.તમારે ભેંસો જોઈતી હોય તો હું તમને અપાવી દઈશ તેમ જણાવી ડોક્યુમેન્ટની માંગણી કરેલ.જ્યારે ઈશ્વરભાઈએ જણાવેલ કે,હાલ તાત્કાલિકમાં મારા પાસે ડોક્યુમેન્ટ નથી મને થોડો સમય આપો તમને હું તમામ ડોક્યુમેન્ટ આપી દઈશ.તેમ જણાવતા તાલુકા સભ્ય

મિનેષભાઈ બારીયા એ જણાવેલ કે, આ સરકારી યોજના ટૂંકાગાળાની છે. અને ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવાની તારીખ વિતી જશે અને તમો આ યોજનાનો લાભ લઇ શકશો નહીં.જો ડોક્યુમેન્ટ તૈયાર ના હોય અને તેનો લાભ લેવા માંગતા હોય તો તમોને રૂપિયા 33 હજાર આપવા પડશે.અને આ નાણાં ભરશો તો તમારે કોઈ ડોક્યુમેન્ટની પણ જરૂર નહીં પડે તેમ જણાવી ઈશ્વરભાઈ મછાર પાસેથી રોકડ રકમ લેવામાં આવી હતી.જોકે આટલી રકમની ઇશ્વરભાઇ મછાર પાસે સગવડ ન હોવાના કારણે તેઓએ સગા-સંબંધી,મિત્રો પાસેથી ઉછી પાછીના રોકડ રૂપિયા કરી હિંદોલીયા ગામના તાલુકા સભ્ય મિનેશભાઈ બારીયાને આપ્યા હતા. જ્યારે તાલુકા સભ્ય દ્વારા તાલુકાની યોજના દ્વારા એક મહિનામાં ભેંસો આપવાની બાહેધરી આપવામાં આવી હતી. 

        ત્યારબાદ છ થી આઠ માસનો સમય વીતી જવા છતાં ઈશ્વરભાઈ મછારને તાલુકાની યોજના દ્વારા ભેંસો નહીં મળતા તાલુકા સભ્ય મિનેશભાઈ ને ભેસો બાબતે પૂછપરછ કરતાં તેના પ્રત્યુતરમાં તમારું કામ થઈ ગયું છે, થોડા સમયમાં ભેંસો મળી જશે તેવું કહેવામાં આવ્યું હતું.ત્યારબાદ સમય જતા મિનેશ બારીયાને મોબાઈલ દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો પરંતુ કોલ રીસીવ કરવામાં

 આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.જ્યારે ઈશ્વરભાઈ મછારને પોતે તાલુકાની યોજના દ્વારા ભેસો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી હોવાનો અહેસાસ થતાં ભોગ બનનારે તાલુકા પંચાયત ખાતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,ભેંસો માટેની કોઈ યોજના તાલુકા દ્વારા બહાર પાડવામાં આવી જ નથી.ત્યારે છેતરપિંડીનો શિકાર બનેલા ઈશ્વરભાઈ મછારના પગ તળેથી ધરતી ખસી જવા પામી હતી.

       ત્યારબાદ ઈશ્વરભાઈ મછારે તાલુકા સભ્ય મિનેશભાઈ બારીયાને આપેલ નાણા પરત લેવા માટે વારંવારની ઉઘરાણી કરતા મિનેશભાઈ બારીયા દ્વારા ચેક લખી આપવામાં આવ્યો હતો.આ ચેક બેંકમાં નાખતા બાઉન્સ થઈ પરત ફર્યો હતો.અને ત્યારબાદ ઈશ્વરભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી.પરંતુ પોલીસ દ્વારા કોઈ પ્રત્યુતર નહીં મળતા આખરે ઉચ્ચસ્તરે રજૂઆત કરવાની ફરજ પડી હોવાનું ઈશ્વરભાઈ મછાર દ્વારા જાણવા મળ્યું હતું. 

        ત્યારબાદ ઈશ્વરભાઈ મછાર દ્વારા તારીખ 27/9 /2024 ના રોજ સુખસર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.પરંતુ સુખસર પોલીસ દ્વારા કોઈ તપાસ કરવામાં નહીં આવતા તારીખ 20/11/2024 ના રોજ ડી.વાય.એસ.પી ઝાલોદ, પોલીસ વડા દાહોદ તથા રેન્જ આઈ.જી ગોધરા ને સંબોધીને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ત્યારે તાલુકાના એક જવાબદાર અને ચૂંટાયેલા સભ્ય દ્વારા ખેડૂત સાથે કરવામાં આવેલ છેતરપિંડી સંબંધે શું કાર્યવાહી કરે છે?તેમજ પોલીસ દ્વારા અબુધ લોકોને છેતરપિંડીનો શિકાર બનાવતા લોકો સામે ક્યારે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!