![*કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ* *દાહોદ જિલ્લાના નાગરિકોના હિત અને લોક પ્રશ્નોના નિકાલ માટે ચર્ચા કરવામાં આવી*](https://dahodlive.com/wp-content/uploads/2024/10/IMG-20241019-WA0012-770x377.jpg)
રાજેશ વસાવે :- દાહોદ
*કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ*
*દાહોદ જિલ્લાના નાગરિકોના હિત અને લોક પ્રશ્નોના નિકાલ માટે ચર્ચા કરવામાં આવી*
*”સાચા કામ તાત્કાલિક કરવા અને ખોટા કામ તાત્કાલિક અટકાવવવા”-કલેકટરશ્રી યોગેશ નિરગુડે*
દાહોદ તા. ૧૯
દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સંકલન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામા આવી હતી.
જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી સહિત વિદ્યાર્થીઓના આધારકાર્ડ – રેશનકાર્ડ, શિષ્યવૃતિ, યુનિફોર્મ, ડેવલપમેન્ટલ વર્કની કામગીરી, એસ. સી.- એસ. ટી. લાભાર્થીઓને આવાસ યોજના ફાળવવા બાબત, વાજપાઇ બેંકેબલ યોજના, દબાણ, રસ્તા સમારકામ, નરેગાની કામગીરી તેમજ પેંશન કેસને લગતા હુકમો અંગેની કામગીરી બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ન્યુઝ એનાલિસિસ થકી આવેલ તમામ પ્રશ્નોના જલ્દી નિકાલ કરવા માટેના સૂચનો આપવા સાથે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આવાસ યોજનાના લાભાર્થીઓનું સર્વે કરીને સાચા અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળે તેની તકેદારી રાખવા અને લોકોને સાચા અર્થમાં સગવડતા મળે તે રીતે કામગીરી કરવાની સૂચના આપી હતી.
જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ રોડ રસ્તાની કામગીરી સમયનુસાર અને ગુણવત્તા મુજબની કરવા જણાવતાની સાથે સંકલન બેઠકમાં રજૂ થયેલા લોક પ્રશ્નો અને મુદ્દાઓ અંગે સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરીને સમયનુસાર કામગીરી પૂર્ણ કરવા સૂચના તેમજ કામગીરીના જે – તે સ્થળ મુલાકાત લેવા જણાવ્યું હતું.
વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા માટે કલેકટરશ્રી દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા. લોકોના દરેક પ્રશ્નો અને રજુઆતોનો પૂરતા આયોજન સાથે નિકાલ થાય અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે અને પૂરો લાભ મળે તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું. તેમજ અન્ય પડતર પ્રશ્નો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજંસીના નિયામકશ્રી બી.એમ.પટેલ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦