
રાજેશ વસાવે :- દાહોદ
*વિકાસશીલથી વિકસિત દાહોદ*
*દાહોદમાં અવંતિકા રિસોર્ટ ખાતે કલેકટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સંકલન અધિકારીશ્રીઓની ચિંતન શિબિર યોજાઈ*
*વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને લગતી મહત્વની બાબતો વિશે ચિંતન કરવામાં આવ્યું*
*જનતાને લગતા પ્રશ્નોના ઉકેલ માટે તમામ અધિકારીઓનું આપસમાં સંકલન હોવું જરૂરી છે.-કલેકટરશ્રી યોગેશ નિરગુડે*
દાહોદ તા. ૪
દાહોદ જિલ્લામાં અવંતિકા રિસોર્ટ ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરનો મૂળ હેતુ દાહોદ જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને વધુ સુચારુ કઈ રીતે બનાવવી તેમજ કામગીરીની રીતમાં કરવાના થતા ફેરફાર અંગે જરૂરી ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.
કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ચિંતન શિબિરને અનુસંધાને કહ્યું હતું કે, જનતાને લગતા પ્રશ્નોના ઉકેલ માટે અધિકારીઓનું આપસમાં સંકલન હોવું જરૂરી છે. ઉપરાંત ટાઈમ મેનેજમેન્ટ કરવાની સાથે યોગ્ય લીડરશીપ રોલ નિભાવવાની વાત પર ભાર મુકતા તેમણે ઉમેર્યું હતું કે, જનતા તંત્ર પાસે જે અપેક્ષા લઇને આવે છે તેને પૂર્ણ કરવા, નિરાકરણ લાવવા માટે થઈને તમામ અધિકારીઓએ પોતાની જ કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીનું સમયાંતરે સરપ્રાઇઝ ચેકીંગ કરવું પણ જરૂરી હોય છે. તમામ વિભાગો જો મળીને કામગીરી કરશે તો કામગીરી કરવી સરળ બની શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં તમામ વિભાગ એકબીજા સાથે સંકલન કરીને જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવા સંયુક્ત પ્રયાસ કરશે તો જ જનતાની અપેક્ષાઓ કે, તે જે – તે વિભાગ પાસે રાખે છે, પોતાના પ્રશ્નો લઇને જનતા જયારે જે તે વિભાગ પાસે આવે છે તેને આપણી ફરજ અને જવાબદારી સમજીને તેને પરિપૂર્ણ કરવા નિયમનુસાર અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમએ શિબિરને આગળ વધારતાં કહ્યું હતું કે, તમામ વિભાગના અધિકારીઓ એકબીજાના પ્રશ્નોને આંતરિક રીતે જાણી, સમજી અને એક થઈને કામગીરી કરશે તો ચોક્કસ જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં સફળતા મળી શકશે. લોકોની અપેક્ષાઓ જે – તે વિભાગ પાસે વધારે રહેતી હોય છે. જેથી આજની કામગીરી આજે જ પૂર્ણ થઇ જાય તેવા પ્રયાસો તમામ કચેરીઓ દ્વારા કરવામાં આવે તો ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી શકશે.
આ શિબિર દરમ્યાન કચેરી કાર્ય પદ્ધતિ, ઇરીગેશન, એગ્રીક્લ્ચર, માઈગ્રેશન, સરકારી કાર્યક્રમોના આયોજન, સોશિયલ મીડિયા તેમજ કચેરી વહીવટમાં ધ્યાનમાં રાખવાની બાબતો જેવા મહત્વના વિષયો અને મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લાના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તેમજ કામગીરીમાં કેવા પ્રકારનો સુધાર લાવી શકાય જેવી બાબતો વણી લેવામાં આવી હતી. આ નિમિતે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા દાહોદ જિલ્લાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કેવા પ્રયત્નો કરવા જોઈએ તે વિશે વિસ્તાર પૂર્વક રજુઆત કરવામાં આવી હતી.
આ ચિંતન શિબિર દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી.એમ.પટેલ,તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦