રાજેશ વસાવે :- દાહોદ
અગાઉ જાહેર કરાયેલા 179 શંકાસ્પદ સર્વે નંબરોનો આંક હવે 187 પર પહોંચ્યો..
દાહોદમાં બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં વધુ 8 શંકાસ્પદ સર્વે નંબરોનો વધારો..
પોલીસ ફરિયાદ માટે અધિકૃત કરાયેલા અધિકારીઓ જનરલ ફરિયાદ નોંધાવશે.?
દાહોદ તા. 28
દાહોદમાં થોડા દિવસ અગાઉ બોગસ બિનખેતી પ્રકરણમાં બે જુદી જુદી ફરિયાદ દાખલ થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા આ મામલે ગંભીર નોંધ લઇ તલસ્પર્શી તપાસ હાથ ધરતા મસમોટુ કૌભાંડ બહાર આવ્યું છે જેમાં દાહોદ સહિત આસપાસના બે ડજન થી વધુ ગામોમાં જમીન કૌભાંડ આચારનારા તત્વોએ નકલી NA ના બોગસ હુકમ બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.જે બાદ તંત્ર દ્વારા 9500 પ્રોપર્ટી કાર્ડમાંથી 934 સર્વે નંબરોની તપાસ કરતાં શરૂઆતમાં 176 નંબર બોગસ મળતાં લોકોના હિતમાં તંત્રએ આ સર્વે નંબરોમાં કોઇ લેવડ-દેવડ નહીં કરવા માટે યાદી જાહેર કરી હતી.યાદી જાહેર કર્યા બાદ જ તે સાંજે વધુ બે સંદિગ્ધ નંબરો મળી આવતાં સંખ્યા 178 ઉપર પહોંચી હતી.જોકે, ઝીંણવટભરી તપાસમાં 5 નંબરો ખરા હોવાથી તે સર્વે નંબરો ને શંકાસ્પદ સર્વે નંબરો માંથી બાકાત કરવામાં આવ્યા હતા. જોકે તંત્ર દ્વારા તપાસ ચાલુ જ રહેતાં બીજા 6 નંબર મળી આવતાં આંકડો 179 ઉપર પહોંચ્યો હતો.
જોકે રાજ્યભર ખળભળાટ મચાવતાં આ જમીન કૌભાંડમાં ગાંધીનગરની વિજિલન્સની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી.દરમિયાન આ સર્વે નંબરોમાં કલેક્ટર દ્વારા ફરિયાદ કરવાનો હુકમ પણ કરી દેવાયો છે.ત્યારે વધુ પાનિયા ઉથલવતાં ધામરડા, છાપરી, પુંસરી, દેલસર અને દાહોદ કસ્બાના 8 નંબરો સંદિગ્ધ મળી આવ્યા હતાં.જેથી હવે આજની સ્થિતિએ આ સર્વે નંબરોની સંખ્યા 187 ઉપર પહોંચી ગઇ છે.જોકે હજી પણ તપાસ ચાલુ હોવાને કારણે આગામી દિવસોમાં બોગસ એનએ હુકમની બિનખેતી થયેલી જમીનોના સર્વે નંબરના આંકડામાં વધારો થાય તેવી આશંકાઓ હાલના તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે.
*બોગસ બિનખેતી પ્રકરણમાં શૈશવ અને હારૂનના જામીન સેસન્સ કોર્ટે રદ કર્યા,કુત્બી રાવતની ત્રીજીએ સુનાવણી હાથ ધરાશે.*
દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં મે માસમાં બે જુદા-જુદા ગુના દાખલ થયા હતાં. ત્યારે આ બંને ગુનાઓમાં હારૂન પટેલ, ઝકરિયા ટેલર, શૈશવ પરીખ, સરકારી અધિકારી વીજય ડામોર હાલ જેલમાં છે.આ સાથે કુત્બી રાવત અને રામુ પંજાબી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.ગત 24મી તારીખે સર્વે નંબર 376-1-1-4 વાળા ગુનામાં હારૂન પટેલ અને શૈશવ પરીખે સર્વે નંબર 376-1-1-4 સાથે 303,305 અને 306 મળી બંને ગુનામાં જામીન અરજી મુકી હતી. આ સાથે વોન્ટેડ કુત્બી રાવતે 376-1-1-4 વાળા ગુનામાં વકીલ મારફતે ઓનલાઇન આગોતરા અરજી મુકી હતી. ત્યારે 24મીએ ઓન લાઇન સેટઅપ નહીં થઇ શક્યુ ન હતું. કોર્ટે 24મી તારીખે આ ત્રણે જામીન અરજીની સુનાવણી માટે 27 તારીખ મુકર્રર કરી હતી. 27મી તારીખે શૈશવ અને હારૂન પટેલના જામીન ના મંજુર કરી દેવાયા હતાં. 27મીએ કુત્બીની આગોતરા જામીન અરજીની સુનાવણીની થઇ ગઇ હતી પણ કોર્ટે તેનો હુકમ આપવાની 3 તારીખ મુકર્રર કરી હોવાનું જાણવા મળ્યુ છે.
*તમામ સર્વે નંબરોમાં જે તે કચેરીના અધિકૃત કરાયેલા અધિકારીઓ દ્વારા જનરલ ફરિયાદ નોંધાશે.*
તંત્ર દ્વારા વિવિધ કચેરીના બિનખેતી હેતુફેર તથા અન્ય હુકમોની ફેરફાર નોંધોની ચકાસણીમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, સિટી સર્વે કચેરી, દાહોદ તાલુકા પંચાયત, દાહોદ પ્રાંત કચેરી,દાહોદ મામલતદાર કચેરી અને ડીએલઆર-ડીએલઆઇઆરના સંધિગ્ધ હુકમો જણાઇ આવ્યા હતાં. આ કચેરીઓના નામના ખોટા હુકમ બનાવીને સાચા તરીકે ઉપયોગ કરીને નોંધો દાખલ કરવા સાથે પ્રોપર્ટી કાર્ડ પણ બનાવી દેવાયા હતાં. ત્યારે કલેક્ટરે એસપીના પરામર્શમાં રહીને ફરિયાદ દાખલ કરવા સબંધિત કચેરીના અધિકારીને અધિકૃત કરવા માટે હુકમ કર્યો હતો.
આમ જો તંત્ર દરેક સર્વે નંબર મામલે જુદી-જુદી ફરિયાદ કરવા જાય તો તેનો આંકડો મોટો થાય તેમ હોઇ હવે છ કચેરી દ્વારા તમામ નંબરો મામલે જનરલ ફરિયાદ થશે તેવું હાલના સંજોગે લાગી રહ્યું છે. જેમાં ફરિયાદમાં સબંધિત કચેરીના સંધિગ્ધ સર્વે નંબરો આવરી લેવામાં આવશે. ત્યારે હવે કઇ કચેરીના કેટલા બોગસ હુકમ છે તેની છટણી કરવામાં આવી રહી છે. બોગસ હુકમ બનતાં પહેલાં બિનખેતી માટે અરજી કરનારના જમીન માલિકના નામજોગ ગુના દાખલ કરવામાં આવશે કે ગુનો દાખલ થયા બાદ તપાસ કરીને જવાદારોના નામ ખોલવામાં આવશે તે હજી જાણવા મળ્યુ નથી.
*નવી લિસ્ટ પ્રમાણે કયા કયા સર્વે નંબર ઉમેરાયા.*
ગામ-રે.સર્વે/સીસ/ ફા.પ્લોટ
ધામરડા-NA 35/1K/પૈકી3 પૈકી 2
છાપરી-NA 99 પૈકી 1/1
દેલસર-NA 23/પૈકીp2 પૈકી 1
દેલસર-NA 23/પૈકી2 પૈકી 2
દેલસર-NA 30/1પૈકી2
દેલસર-NA 33A/પૈકીp5
પુંસરી-દેલસર-NA1
દાહોદ(ક)-NA39