રાજેશ વસાવે :- દાહોદ
*બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદની વાર્ષિક સાધારણ સભા યોજાઇ*
દાહોદ તા. ૨૫
બિરસા આદિવાસી સમાજ ભવન દાહોદની વાર્ષિક સાધારણ સભા આજરોજ ભવનના પ્રમુખશ્રી વી.એમ.પારગી (IPS) નિવૃત્ત ADGP ના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. મુખ્ય મહેમાનો તરીકે નિવૃત્ત મામલતદાર શ્રી રૂપેશભાઇ ગરોડ, GST ડેપ્યુટી કમિશ્નર શ્રીમતિ કુંજલતાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
સભાનું સંચાલન મંત્રી શ્રી સી.આર. સંગાડા (નિવૃત અધિક કલેક્ટર) દ્વારા કરવામાં આવ્યું હતું. સાધારણ સભામાં ભવનના કન્વીનર શ્રી એફ.બી.વહોનિયા, અગ્રણી શ્રી દિનેશભાઈ ભાભોર સહિત બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, બિરસા મેનેજમેંટ ટીમના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો.
સાધારણ સભામાં બેઠકના એજન્ડા મુજબ ગત મિટીંગનું પ્રોસીંડીગ વાંચન તથા બહાલી આપવામાં આવી હતી. દાન/ફાળાની રકમ તથા ૨૦૨૪-૨૫ ની સભ્ય ફી અંગે ચર્ચા કરવામાં આવી હતી.સૂચિત ભીલ સમાજ પંચની રચનામાં ફળીયા પંચ, ગામ પંચ, બાર ગામ પંચ, તાલુકા પંચ, જિલ્લા પંચ, અને ત્રણે જિલ્લા દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાની સંયુક્ત ભીલ સમાજ પંચની રચના માટે રચાયેલી મુસદ્દા સમિતિની કામગીરી અને પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના માળખામાં બેસ્ટ ઓફ લકના
સિદ્ધાંતની વ્યવસ્થા તેમ જ બંધારણની અનૂસુચિ સાથે જોડવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્રણે જિલ્લાના દરેક ગામમાં રહેતા લોકો, બહારગામ ખેતમજૂરી કરતા લોકો, શહેરોમાં બાંધકામ ક્ષેત્રે મજુરી કરતા લોકો, ધંધો રોજગાર કરતા લોકો, નોકરી કરતા લોકો,નિવૃત્ત લોકો, બેરોજગાર યુવાનોની સંખ્યા અંગે સર્વે હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રારંભમાં
દાહોદ અને ઝાલોદ તાલુકા માટે પ્રાયોગિક ધોરણે બહારગામ મજૂરીકામ કરતા / વૃદ્ધ /નોકરી કરતા/ નિવૃત/ વગેરે બાબતોનો સર્વે કરાવવા બાબતે નિર્ણય લેવાયો હતો. વાર્ષિક આવક જાવક ખર્ચના હિસાબો મંજૂર કરવામાં આવ્યા હતા. ભીલ સમુદાય લગ્ન બંધારણમાં જરૂરી સુધારા વધારા કરવા તથા તેના અમલીકરણ માટે પ્રચાર પ્રસાર ઝુંબેશ સતત ચાલુ રાખવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.બિરસા મેનેજમેંટની જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી.અન્ય જાતિમાં થતાં લગ્નો અટકાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ૭૩ એ એ નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોમાં ખેતીની વારસામાં મળેલી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી જમીનો અંગે નિયંત્રણ કડક રાખવા માટે ચર્ચા કરવામાં આવી હતી. જયારે મોટા શહેરી વિસ્તારોમાં બિન આદિવાસીઓ પાસેથી ખરીદ કરેલ બિનખેતીની જમીનો, પ્લોટો, મકાનો વગેરે ખરીદવા અને વેચવા અંગે નિયંત્રણ હળવા કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.ઉચ્ચ શિક્ષણની આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં સ્નાતક કક્ષાએ દરેક વર્ષ/ સેમેસ્ટરમાં અંગ્રેજી ફરજીયાત પેપર જનરલ ઈંગ્લીશ જૂની શિક્ષણ નીતિમાં ભણાવવામાં આવતું હતું. જેનાંથી પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને બેઝીક ગ્રામર, નાના ગદ્ય અને પદ્ય, ફકરા લેખન, પત્ર લેખન, અરજી લેખન વગેરે શીખવા મળતું હતું. જે તેઓને વર્ગ 1, 2, અને 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરવામાં આશીર્વાદરૂપ પુરવાર થતું હતું. ખાનગી ધંધા વ્યવસાય માટે પણ અંગ્રેજી ભાષાનું પાયાનું જ્ઞાન ઉપયોગી થતુ હતું. પરંતુ નવી શિક્ષણ નીતિમાં અંગ્રેજી ફરજીયાત પેપરને મરજિયાત બનાવી દેવાથી ગરીબ વિદ્યાર્થીઓ અભણ કે બિલકુલ ઓછું ભણેલા વાલીઓના સંતાનો હોવાથી તથા વિદ્યાર્થીઓમાં ખુદમાં પુરતી સમજણના અભાવે આ પેપર ભણી શકતા નથી અને અંગ્રેજી ભાષાના પ્રાથમિક જ્ઞાનથી વંચિત રહી જાય છે. નોકરી મેળવવા સમજદાર બને છે ત્યારે ગરીબાઇના કારણે અને અંતરિયાળ ગામોમાં વસવાટ કરતા હોવાથી ખાનગી ટ્યુશન મેળવી શકતા નથી. તેથી કારકિર્દી ઘડતરમાં ભારે નુકશાન વેઠવું પડે છે. તેથી નવી શિક્ષણ નીતિમાંમાં પણ ગુજરાત રાજ્યની તમામ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં જનરલ ઈંગ્લીશ પેપર ફરજીયાત બનાવવા માટે તથા આ પેપરની ક્રેડિટમાં વધારો કરી 2 ના બદલે 4 ક્રેડિટ કરવા માટે મહામહીમ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજુઆત કરવા માટે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. ભવનમાં પુસ્તકાલય માટે અધ્યક્ષ શ્રી વી.એમ.પારગી તરફથી આપવામાં આવેલ પુસ્તકો, ફર્નિચર તેમ જ અન્ય વસ્તુઓ દાન તરીકે સ્વીકારમાં આવી હતી.