રાજેશ વસાવે :- દાહોદ
*ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા હાકલ કરતા દાહોદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત*
*દાહોદના ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે વિગતો અને માર્ગદર્શન આપતા પ્રગતિશીલ ખેડુત ડામોર ચંદ્રસિંહ*
દાહોદ તા. ૨૨
રાસાયણિક ખેતીથી માનવજીવન પર થતી વિપરીત અસરોને અટકાવવા માટે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે રાજ્યના ખેડુતો સંકલ્પ લઇ રહ્યા છે.
જે અંતર્ગત દાહોદ જિલ્લાના મોટાભાગના ખેડૂતો ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પાતા ગામના પ્રગતિશીલ ખેડુત ડામોર ચન્દ્રસિંહ દ્વારા ખેડૂતોને કુદરતી ખેતી માટેની જાણકારી આપતી તાલીમ યોજવામા આવી હતી.
ડામોર ચન્દ્રસિંહ દ્વારા તમામ ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની વિગતો અને માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ, તેની જરુરિયાત અને વિવિધ પાકોના વાવેતર વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ સાથે પ્રાકૃતિક કૃષિમાં ગાયના મહત્વ અને જીવામૃત વિષયક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ. પ્રાકૃતિક કૃષિના અઢળક ફાયદા છે જેની વિસ્તાર પુર્વક વાત કરીને ખેડુતોને મુંઝવતા પ્રશ્નોના જવાબો પણ આપવામા આવ્યા હતા.
ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન કરવામા રાસાયણિક ખેતીની ભુમિકા તેમજ પ્રાકૃતિક ખેતી દ્વ્રારા ગ્લોબલ વોર્મિંગ માટે થતી હકારાત્મકતા જેવી મહત્વની બાબતોની ચર્ચા કરવામા આવી હતી. આ પદ્ધતિમાં પાણીની જરૂર ૫૦ ટકા જેટલી ઓછી હોય છે તથા ભૂગર્ભજળનું સ્તર ઉપર આવે છે. પ્રાકૃતિક ખેતીમાં ઝેર ન વપરાતું હોવાને લીધે ઝેર પાણીમાં જશે જ નહીં અને આવનારી પેઢીઓને શુદ્ધ પાણી મળશે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે, જેથી કરીને આપણી આવનારી પેઢીઓને વારસામાં ફળદ્રુપ જમીન અને શુદ્ધ ખોરાક મળશે એ વિશેની વિશેષ જાણકારી આપી આવેલ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને ૧૦૦ ટકા અપનાવવા માટેની અપીલ કરી હતી.