*”હર ઘર તિરંગા અભિયાન”*
*લીમખેડા ખાતે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શ્રી શૈલેષ ભાભોરની પ્રેરક ઉપસ્થિતમાં”તિરંગા યાત્રા” યોજાઈ*
દાહોદ તા. ૧૨
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ ૮ મી થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા અભિયાન” અને “તિરંગા યાત્રા” યોજાઈ રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં અબાલવૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
લીમખેડા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં સામેલ બન્યા હતા. નાગરિકોએ હાથમાં તિરંગો ઝંડો લહેરાવીને દેશભક્તિ અને એક અખંડ ભારતનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો.
નોંધનીય છે કે,જિલ્લાની તમામ શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશપ્રેમ વ્યક્ત કરતી અનેકવિધ પ્રવૃતિઓ થઈ રહી છે, જેને પગલે શહેર-જિલ્લાના બાળકો, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા છે. શાળાઓની પ્રેરણાથી ભૂલકાઓ બાળપણથી જ દેશભક્તિના પાઠ શીખી રહ્યા છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર પ્રાંત અધિકારી શ્રી ભવ્ય નિનામાં,સહિત તાલુકાના અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ તેમજ બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.