બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આદિવાસી સમાજ સુધારણા અંતર્ગત ભક્ત મહારાજોની મીટીંગ યોજાઇ
સામાજિક બંધારણનો અમલ પોતાના ઘરથી શરૂ કરી ફળિયા,ગામ,તાલુકા સુધી આદિવાસી સમાજને જોડી ખોટા ખર્ચા ઓથી બચવા આહ્વાન કરવામાં આવ્યું
સુખસર,તા.21
ફતેપુરા તાલુકાના સુખસર કૃષિ શાળા ખાતે સુખસર વિભાગના ભક્ત મહારાજોની મિટિંગ શનિવારના રોજ યોજવામાં આવી હતી. જેમાં સુખસર વિભાગના આજુબાજુ ગામોમાંથી ગુરુ પદ ધરાવતા નાના-મોટા મહારાજો સમાજ સુધારણા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.મીટીંગ ની શરૂઆતમાં શંકરભાઈ કટારા દ્વારા મહારાજનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ સૌને જણાવવામાં આવ્યું હતું કે,આપ સમાજમાં ઊંચું સ્થાન ધરાવો છો. સમાજ તમને ગુરુ માને છે.જેથી ગુરુપૂર્ણિમાના શુભ દિવસે આપ સૌ ભક્તો અને સમાજના લોકોને અંતરથી આશીર્વાદ આપો કે જેથી આપણો સમાજ સંગઠિત બને,શિક્ષિત બને, સંસ્કારી બને અને અન્ય સમાજની હરોળમાં પોતાનું સ્થાન જાળવતો થાય. અને અન્ય સમાજની હરોળમાં દરેક બાબતોમાં પોતાનું સ્થાન જાળવે સાથે સમાજમાં ચાલતા ખોટા રીતરિવાજો અને લગ્ન બંધારણ વિશે પણ મહારાજ નો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
જેમાં ફતેપુરા તાલુકામાં ગત વર્ષનો લગ્ન બંધારણ તમામે માન્ય રાખ્યું હતું.ચાલુ વર્ષે પણ આજ લગ્ન બંધારણ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.સાથે ગુરુપૂર્ણિમાના દિવસે આવનાર તમામ ભક્તોને આશીર્વાદ આપીને ગુરુદક્ષિણામાં સમાજના બંધારણનો અમલ પોતાના ઘરથી શરૂ કરીને ફળિયા,ગામ,તાલુકા સુધી એક જ થાય અને ખોટા ખર્ચા ન થાય તેની માગણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભાવેશભાઈ ડામોર, શૈલેષભાઈ પારગી,મોહન મહારાજ, ભૂરા મહારાજ,દિલીપભાઈ,વિક્રમભાઈ અને આયોજક શંકરભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા.અને સમાજ સુધારણાના કામમાં ભક્ત મહારાજોને જોડીને જવાબદારી સોપવામાં આવી હતી.