રાજેશ વસાવે :- દાહોદ
RFO તરીકે વન વિભાગમાં જોડાયેલા 2022 માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસથી સન્માનિત…
દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગના IFS અધિકારીએ અગમ્ય કારણોસર ઘરના બેડરૂમમાં લમણે બંદૂક વડે ગોળી મારી આત્મહત્યા કરતા ખળભળાટ…
દાહોદ તા.11
દાહોદ જિલ્લામાં 2017 માં IFS (ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા એવાં સાલસ અને નિખાલસ સ્વભાવ ધરાવનારા રમેશ પરમારે અગમ્ય કારણોસર આજરોજ વહેલી સવારે ઘરના બેડરૂમમાં તેમના પાસેની બંદૂક વડે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ પછી જવા પામ્યો છે. સ્વભાવે શાંત અને ભક્તિભાવમાં રહેનારા રમેશ પરમાર ગઈકાલે ખજુરીયા ખાતે ગયા હતા.જ્યાંથી મોડી રાતે જેવી પરવારીને ઘરે આવ્યા હતા.ત્યારબાદ વહેલી સવારે અચાનક બંદૂકનો અવાજ સંભળાતા પરિવારજનો દોડી આવ્યા હતા.અને તેઓ મૃત હાલતમાં જોવા મળતા સૌ કોઈ ડઘાઈ ગયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ દાહોદના બાવકા ગામના આર.એમ. પરમાર દાહોદની આર.એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલમાં અને કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ગુજરાત વન વિભાગ સાથે જોડાયા હતા.અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) બન્યા,બાદમાં ક્રમશઃબઢતી પામતાં 2011 માં સબ DFO બન્યા અને 2017 થી DFO (ડિસ્ટ્રીક ફોરેસ્ટ ઓફિસર) તરીકે સેવા નિયુક્ત થયા. અને સંનિષ્ઠ સેવાના ભાગરૂપે 2022 ના નોટિફિકેશન મુજબ તેમને IFS (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા અને હાલમાં તેઓ સામાજિક વનીકરણ વિભાગના DCF (નાયબ વન સંરક્ષક) ઉચ્ચ હોદ્દે આરૂઢ થયા છે. આર.એમ.પરમાર ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દેથી નિવૃત્ત થયેલ ગોપાલભાઈ પરમારના સગા ભત્રીજા થાય છે.
*લોકપ્રિય અને બિનવિવાદાસ્પદ છબી ધરાવનાર રમેશ પરમારનું અવિચાર્યું પગલું.? ઘેરાતું રહસ્ય.!!*
દાહોદના DCF ના આત્મહત્યાના કિસ્સામાં સ્થળ સંજોગ અને ચર્ચાના અનુસંધાને ઊભી થયેલી પરિસ્થિતિ મુજબ અનેક શંકા કુશંકાઓએ જન્મ લીધો છે. જોકે અતિ લોકપ્રિય અને બિનવિવાદાસ્પદ છબી ધરાવનાર રમેશ પરમાર સાથે એવું તો શું બન્યું.? કે વહેલી સવારે પોતાની જાતે જ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરી મોત વ્હાલું કર્યું. લાંબા સમયથી એડમિનિસ્ટ્રેશનનો બહોળો અનુભવ ધરાવનાર રમેશ પરમાર આર્થિક રીતે પણ સારી પરિસ્થિતિમાં હતા. તે સિવાય એડમિનિસ્ટ્રેશનમાં લાંબા સમયથી કામ કરનાર અધિકારીને કોઈ ડિપાર્ટમેન્ટલી પ્રેશર હોય તેવું પણ છેલ્લે સુધી કોઈને લાગ્યું નહોતું. બધાને સાથે લઈ લીડરશીપની ભૂમિકામાં રહેનાર રમેશ પરમારે ઓચિંતા પોતાની જીવન લીલા સંકેલી લેતા તેમની મોત અંગે કઈ રહસ્ય ઘુંટાતું હોય તેવું પ્રવર્તમાન સંજોગોમાં આશંકા ઉદ્ભવવા પામી છે.
*આત્મહત્યા કરતા પહેલા ડી.સી.એફ.એ મોબાઈલની કોલ ડીટેલ ડીલીટ કરી હોવાની ચર્ચાઓ.?*
અતરંગ વર્તુળમાં ચર્ચા મુજબ અને પોલીસની પ્રાથમિક તપાસમાં ધ્યાને આવેલી બાબત મુજબ મોત વ્હાલું કરનાર DCF એ પોતાનાં મોબાઈલમાંથી કોલ ડીટેલ ડિલીટ કરેલું જણાઈ આવ્યુ હતુ. એ કોલ કોનો હતો.?એ ઘણું મોટું રહસ્ય રહેવા પામી છે. શું એ કોલ કોઈ રાજકારણીનો હતો.? અથવા કોઇ અન્ય વિજાતીય પાત્રનો હતો.? કે અન્ય કોઇ ઓફિસમાં કામકાજ ધરાવતો ઇસમનો હતો.?એ તો પોલીસ તપાસમાં સીડીઆર રિપોર્ટમાં બહાર આવશે. જોકે મોબાઈલ હિસ્ટ્રી ડીલીટ કરનાર DCF રમેશ પરમાર કોને બચાવવા માંગતા હતા. આ તમામ આશંકાઓ હવે પોલીસની રડારમાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
*જમીન કોભાંડોની તપાસના આટાપાટામાં અથવા કોઈના હરસમેન્ટથી રમેશ પરમારે આયખું ટૂંકાવ્યું.? ચર્ચાતો સવાલ.*
કોઈપણ સંજોગોમાં આત્મહત્યા ન કરે તેવા વ્યક્તિત્વ ધરાવતા ડીસીએફ રમેશ પરમારના કુટુંબીજનો હજુ પણ સમાચાર લખાય છે ત્યાં સુધી કયા કારણસર આ કૃત્ય કર્યો તે અવઢવમાં છે. ત્યારે દાહોદમાં ઉદભવેલી હાલની પરિસ્થિતિ જમીનો અંગેના કૌભાંડો અન્ય કૌભાંડો વિગેરેમાં કોઈ મોટા માથા દ્વારા કોઈ ખોટું કામ કરાવવાનું દબાણ હતું.કે પછી કોઈ અન્ય સંબંધોમાં લપેટી વિજાતીય પાત્ર દ્વારા બ્લેકમેલિંગ કરાતું હતું.? કે પછી ઓફિસ ને લગતા કોઈ કામકાજમાં કોન્ટ્રાક્ટર અથવા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા ઇસમોનું કોઈ દબાણ હતું.?કારણ ગમે તે હોય પરંતુ આ આત્મહત્યાનો કિસ્સો ચોકાવનારી હકીકતો બહાર લાવશે તેમાં કોઈ બેમત નથી.
*રમેશ પરમારની અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટયો, સ્મશાનમાં જગ્યા ઓછી પડી.*
પોતાની જ ખાનગી રિવોલ્વરમાંથી પોઇન્ટ બ્લેક રેન્જથી ફાયરિંગ કરી મોતને ભેટેલા ડીસીએફ રમેશ પરમારની અંતિમયાત્રામાં ઉમટી પડેલું માનવ મહેરામણ તેની લોકપ્રિયતા દર્શાવતું હતું.પગ મુકવાની પણ જગ્યા ના હોય તે તેવા હેકડેઠેઠ સ્મશાનમાં ગુજરાતના સીસીએફ, જિલ્લા સમાહર્તા , સ્થાનિક ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ડાઘુઓ અંતિમ ક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા કાલે તમામે શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી વન વિભાગના વહીવટી બાબતોમાં મોટી ખોટ પડશે.તેવું જણાવ્યું હતું. સાલસ અને નિખાલસ લોકપ્રિય એવા ડી.સી.એફ.ની આત્મહત્યા કોઈપણ સ્વીકારવા તૈયાર નથી. ત્યારે DCF ને ઉશ્કેરનાર તેને શોધી તેની સામે કાયદેસરના પગલાં લેવાય તેવી પરિવારની લાગણી અને માંગણી ઉદ્ભવી છે ત્યારે પોલીસની તલસ્પર્શી તપાસ કેટલો જલ્દી ભેદ ઉકેલ ઉકેલી શકે છે તે જોવું રહ્યુ.