મહેન્દ્ર ચારેલ :- સંજેલી
ભૂલકાંઓના શિક્ષણ સફરની શરૂઆત
સંજેલી તાલુકાના હીરોલા પ્રાથમિક શાળા ખાતે પોલીસ અધિક્ષક શ્રી ડો રાજદીપસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ભૂલકાંઓનો રંગેચંગે શાળા પ્રવેશ
સફળતા માટે બાળકોમાં આત્મવિશ્વાસ નિર્માણ કરવો જરુરી : જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા.
સંજેલી તા.28
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં સંજેલી તાલુકાના હીરોલા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાંઓએ રંગેચંગે શાળા પ્રવેશ મેળવ્યો હતો. બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ- ૧માં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રુપે શૈક્ષણિક કિટ અર્પણ કરી ઉત્સાહભેર આવકાર્યા હતા.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા એ જણાવ્યુ કે, બાળકો આગળ વધે તે માટે તેમનામાં આત્મવિશ્વાસનું નિર્માણ કરવું જરુરી છે. આ માટે શાળા સ્તરે સતત રચનાત્મક કાર્યક્રમો યોજવા આવશ્યક છે, તેમાં સહભાગી થવાથી બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલી ઊઠે છે. સ્વસ્થ અને આદર્શ નાગરિકના નિર્માણમાં શિક્ષકોની ઘણી મોટી ભૂમિકા છે, વિદ્યાર્થીઓ શાળામાંથી સફળ જીવનના આધાર સ્તંભ ગુણો આત્મસાત કરતા હોય છે.બાળવયના વિદ્યાર્થીઓની ઉર્જાને યોગ્ય દિશા આપી ઉત્કૃષ્ટ પરિણામો મેળવી શકાય છે. વિદ્યાર્થીઓના ગુજરાતી, હિન્દીની અને અંગ્રેજી ભાષાના અભ્યાસને મહત્વ આપવા જણાવ્યું. જિલ્લા પોલીસ વડાએ મહિલાઓ માટે કેન્દ્ર – રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિનો ઉલ્લેખ કરી કન્યા કેળવણીનું મહત્વ જણાવ્યુ.
આ તકે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. હીરોલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અને પર્યાવરણ કાળજી માટેના પગલાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા એ કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું હતું અને એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજી હતી અને શાળા શિક્ષકોને અને વાલીઓને જરૂરી સૂચનો કર્યા હતા.અને શિક્ષણ પર વિશેષ ભાર મુક્યો હતો. મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.વી.નિનામાં સહિત શાળાના આચાર્ય,સી.આર.સી બી.આર.સી. સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.