યાસીન ભાભોર :- ફતેપુરા
સુખસર ખાનગી વેપારીની પેઢીમાંથી પેટીપેક હાલતમાં બિનહિસાબી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ખળભળાટ.*
સુખસર તા. ૨૨
ફતેપુરા તાલુકામાં સરકારી અનાજના કાળા કારોબારનો ધિકતો ધંધો ચાલી રહ્યો છે અને ફતેપુરા તાલુકામાં છાસવારે ખાનગી વેપારીઓની પેઢીમાંથી શંકાસ્પદ અને બિન હિસાબી સરકારી અનાજનો જથ્થો મળી આવે છે ત્યારે ફતેપુરા તાલુકાના સુખસર ખાતેથી ખાનગી વેપારીની પેઢીમાંથી પેટીપેક હાલતમાં બિન હિસાબી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
તારીખ 21 જૂન 2024 અને શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના મામલતદાર એન એસ વસાવાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ફતેપુરા તાલુકાના સુખસર ગામે મારગાળા રોડ ઉપર નૂતન વિદ્યાલયની સામે અગ્રવાલ હરીપ્રસાદ મુરલીધર નામના વેપારીની પેઢીમાં શંકાસ્પદ અને બિનહિસાબી સરકારી અનાજનો જથ્થો રાખેલો છે. આવી ચોક્કસ બાતમી ના આધારે ફતેપુરા તાલુકાના પુરવઠા મામલતદાર ચિરાગ આમલીયાર ની ટીમ દ્વારા ફતેપુરા તાલુકાના સુખસર ખાતે મારગાળા રોડ ઉપર નૂતન વિદ્યાલય ની સામે આવેલ અગ્રવાલ હરીપ્રસાદ મુરલીધર ની વેપારી પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં આ વેપારીની પેઢીમાંથી 51 કટ્ટા માંથી 2550 કિલો ઘઉં,6 કટ્ટા માંથી 285 કિલો સરકારી ચણા અને 8 કટ્ટા માંથી 400 કિલો સરકારી ચોખા મળી આવ્યા હતા.
આ વેપારીની પેઢીમાંથી મળી આવેલા ચણાના કટ્ટાઓ પર સ્પષ્ટપણે ગુજરાત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નિર્દિષ્ટ કાર્ડ ધારકોને ચણા આપવા તેવું લખેલ સરકારી અનાજ હોવાનું સ્પષ્ટપણે લખેલું હતું.
આ વેપારી ની પેઢીમાંથી મળી આવેલા અનાજ ના જથ્થા બાબતે વેપારી ને પુછપરછ કરતા આ વેપારી પાસેથી આ અનાજ બાબત ના કોઈ પણ આધાર પુરાવા મળી આવ્યા ના હતા. તેમજ આ વેપારી પાસેથી લાયસન્સની પૂછપરછ કરતા તેની પાસેથી કોઈપણ પ્રકારનું અનાજનો વેપાર કરવાનું લાઇસન્સ મળી આવ્યું ન હતું.
જેથી ફતેપુરા તાલુકા ના પુરવઠા મામલતદાર ની ટીમ દ્વારા તમામ અનાજ ના જથ્થાના સેમ્પલો લઈને અનાજ ના જથ્થાને સીઝ કરીને જાળવણી અર્થે ફતેપુરા તાલુકાના સરકારી અનાજ ના ગોડાઉન ખાતે મોકલી દઈને આંગળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે આ વેપારી પાસેથી મળી આવેલ સરકારી ચણા નો જથ્થો પેટીપેક હાલતમાં મળી આવ્યો હતો અને સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો હતો જે જથ્થો સરકારી અનાજના દુકાનદાર દ્વારા કે મઘ્યાહન ભોજન યોજના કેન્દ્ર ના સંચાલક દ્વારા બારોબાર અહીં વેપારીની દુકાને વેચી દેવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. અહીં સરકારી ચણાનો જથ્થો પેટીપેક હાલતમાં મળી આવ્યો હતો તેમજ સરકારી ચોખાનો જથ્થો કટ્ટા ઓમાં ભરેલો મળી આવ્યો હતો તેમજ ઘઉંનો જથ્થો દુકાનમાં છુટ્ટી હાલતમાં મળી આવ્યો હતો જે ફતેપુરા પુરવઠા મામલતદાર ની ટીમ દ્વારા ઘઉંનો વજન કરીને કટ્ટાઓમાં પેક કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે લગભગ 11 વાગ્યા સુધી આ તમામ કામગીરી ચાલી હતી.
ત્યારે હવે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવશે ત્યારે જ આ સરકારી ચણાનો જથ્થો તેમજ સરકારી ચોખા અને ઘઉંનો જથ્થો કોનો હતો તે જાણી શકાશે.
હાલ તો સુખસર ખાતેથી ઝડપાયેલા આ સરકારી અનાજના બિન હિસાબી જથ્થાને ફતેપુરા તાલુકાના સરકારી અનાજના ગોડાઉન ખાતે જાળવણી અર્થે મુકીને ફતેપુરા મામલતદાર ની ટીમ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.