ધાનપુરના ઘડા ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાનો હિસંક હુમલો,ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઈ
દાહોદ તા.02
ધાનપુર તાલુકાના ધડા ગામે ખેતરમાં કામ કરી રહેલી એક મહિલા ઉપર દીપડાએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી શિકારની શોધમાં આવી પહોંચેલા દીપડાએ મહિલા ઉપર કરેલા હુમલામાં જાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક દેવગઢ બારિયા ખાતે સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી.
રતનમહાલ જંગલ વિસ્તારને અડીને આવેલા ધાનપુર તાલુકા માં જંગલ વિસ્તારમાં ખોરાક અને પાણીની સુવિધાઓના અભાવના કારણે વારંવાર વન્ય પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવી પહોંચતા હોય છે અને પશુ કે માનવ જાત ઉપર છાશવારે હુમલાઓ કરતા હોવાના બનાવો વધવા પામ્યા છે. આજે સવારે ધાનપુર તાલુકાના ધડા ગામના સીમાડે આવેલા પોતાના ખેતરમાં એક ખેડૂત મહિલા નામે જુમલીબેન નરવત ભાઈ બારીયા ઉમર વર્ષ 55 ની કામ કરતી હતી તે દરમિયાન જંગલ વિસ્તાર તરફથી વન્યપ્રાણી દીપડો ત્યાં ઘસી આવ્યો હતો અને આ જુમલી બેન ઉપર એકાએક હુમલો કરી દેતા તે લોહી લુહાણ હાલતમાં થતા તેને ગંભીર ઈજા થઈ હતી. જુમલીબેન બારીયાએ પણ હિંમતભેર આ દીપડાનો સામનો કર્યો હતો અને તે દીપડાના પંજામાંથી છૂટીને ઘર તરફ જતી રહી હતી. લોહી લુહાણ હાલતમાં થયેલી આ ઈજાગ્રસ્ત જુમલીબેન નરવતભાઈ બારીયાને તાત્કાલિક દેવગઢબારિયા ના દવાખાને ખસેડવામાં આવી હતી. હુમલાબાદ માનવ ભક્ષી દીપડો જંગલ તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે દીપડાનો ખેતરમાં કામ કરી રહેલી મહિલા ઉપર થયેલા હુમલા થી ધાનપુર પંથકમાં રહીશોમાં ફફડાટ ફેલાયો છે.