બાબુ સોલંકી :- સુખસર
ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનના ચોરીના કેસમાં ભાગેડુ જવેસીના આરોપીને સુખસર પોલીસે ઝડપ્યો
ઝડપાયેલા આરોપીએ વર્ષ 2019 માં ચિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરી ભાગી ગયેલો હતો
સુખસર,તા. 9
નાયબ પોલીસ મહા નિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા દાહોદ તથા નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગ ઝાલોદ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલોદ નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચૂંટણી અન્વયે સુખસર પોલીસ સ્ટેશનના તેમજ અન્ય જિલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડવા આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન મુજબ સુખસર પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.બી. ભરવાડની ટીમના અ.પો.કો. મહેશભાઈ,પીન્ટુભાઇ તથા મનીષભાઈ દ્વારા લાલુભાઈ રહે. જવેસી,હોળી ફળિયુ તા.ફતેપુરા જી.દાહોદના ઓને જવેસી ચોકડી પાસેથી રવિવારના રોજ ઝડપી પાડવામાં આવેલ છે.
આરોપીએ વર્ષ 2019 માં ચિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં ચોરી થયેલ જે અનુસંધાને ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે ગુનાના કામે ગુના વાળી જગ્યાની ચાન્સ પ્રિન્ટ મેળવી એફએસએલ કચેરી ગાંધીનગર ખાતે મોકલી આપેલ હતી.જે ફિંગર પ્રિન્ટ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન કામે પકડાયેલ આરોપી લાલુભાઇ રાવલાભાઈ રહે.જવેસી,હોળી ફળિયા તા.ફતેપુરા જી.દાહોદ વાળાની ફિંગર પ્રિન્ટ સાથે મેચ થયેલ હોય જે ગુનામાં હાલના પકડાયેલ આરોપીનું નામ આવેલ જે આજ દિન સુધી તેની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો.જેને સુખસર પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધમાં સી.આર.પી.સી.કલમ-41(1)(આઇ) મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આરોપીને ચિલોડા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના કામે સોપવા પણ સુખસર પોલીસે તજવીજ હાથ ધરેલ છે.જોકે આ આરોપી આગાઉ ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2021 માં ઘર ફોડ ચોરીમાં પકડાયેલ હતો.આમ છેલ્લા ચાર વર્ષથી ભાગતો ફરતો આરોપી સુખસર પોલીસે ઝડપી ચિલોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.