રાજેશ વસાવે :- દાહોદ
બિરસા મુંડા ભવન, દાહોદ ખાતેથી આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન થયું.
દાહોદ તા. ૧૬
બિરસા મુંડા ભવન દાહોદ ખાતેથી આજરોજ આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના મંત્રીશ્રી સી.આર. સંગાડા, ઉપપ્રમુખ ડૉ. અનીલભાઈ બારીયા, કન્વિનર શ્રી એફ.બી.વહોનિયા, અગ્રણીઓ શ્રી બી.કે.પરમાર, શ્રીમતિ લતાબેન વહોનીયા, શ્રી રાજુભાઇ વસૈયા, સૂચિત ભીલ સમાજ પંચના હોદ્દેદારો, મેનેજમેન્ટ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં દિપ પ્રગટાવી, શ્રીફળ વધેરીને મહાનુભાવોએ હાથોમાં લીલી ઝંડી ફરકાવીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
રથના સારથી તરીકે શ્રી પ્રવીણભાઈ પારગી અને ટીમ જવાબદારી સંભાળશે. એક મહિના સુધી આ પ્રચાર રથ દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ગામે ગામ ફરશે અને લગ્ન બંધારણ પુસ્તિકાનું વિતરણ કરશે.
દેવું કર્યા વગર લગ્ન કરવા માટે લોકોને જાગૃત કરશે.બિન જરૂરી ખર્ચા અને પ્રસંગો ટાળવા માટે લોકોને સમજાવશે. સમૂહ લગ્નમાં જોડાવા માટે આહવાન કરશે. ઉપસ્થિત સૌએ પ્રચાર રથની પ્રસ્થાન વેળાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.