બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ સસ્તા અનાજની દુકાનમાં તપાસ હાથ ધરાતા ચોખા તથા ઘઉંનો બિન હિસાબી જથ્થો મળી આવ્યો
રજૂઆતના પગલે ફતેપુરા મામલતદાર તથા ડી.એસ.ઓ ઓફિસ સુપરવાઇઝર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી
સુખસર,તા.૨
ફતેપુરા તાલુકામાં કેટલીક સસ્તા અનાજની દુકાનો સામે ફરિયાદો ઉઠતી રહે છે.તેવી જ રીતે હાલમાં ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે આવેલ સસ્તા અનાજની દુકાન વિરૂદ્ધમાં રજૂઆત કરવામાં આવેલ હતી.તેના અનુસંધાને ફતેપુરા તાલુકા મામલતદાર, પુરવઠા મામલતદાર તથા દાહોદ જિલ્લા પુરવઠા કલેક્ટર સમક્ષ રજૂઆત થતાં તેની તપાસ હાથ ધરાતા ચોખા તથા ઘઉંનો બિન હિસાબી જથ્થો મળી આવતા જથ્થાને ચીઝ કરી દુકાનદારની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં એ.પી.એલ બી.પી.એલ જે-તે લાભાર્થીઓને સરકારના નિયમ મુજબ જથ્થો ફાળવવામાં નહીં આવતો હોવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.અને તેમાં જણાવ્યું હતું કે,મોટીરેલ પૂર્વ સસ્તા અનાજ દુકાન સંચાલક જયેશભાઈ કલાલના ઓએ દુકાનની બાજુમાં આવેલ રૂમમાં ઘઉં તથા ચોખાનો અનઅધિકૃત જથ્થો સંગ્રહ કરેલો હોવા બાબતે રજૂઆત થતાં ફતેપુરા તાલુકા મામલતદાર,પુરવઠા મામલતદાર તથા ડી.એસ.ઓ દાહોદ ની ટીમ દ્વારા મોટી રેલ પૂર્વ સસ્તા અનાજની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવતા કરવામાં આવેલ રજૂઆત પ્રમાણે તપાસ કરતા બાજુના રૂમમાંથી ૪૯ કટ્ટા ચોખાના જેનું વજન૨૪૫૦ કિલો ગ્રામ તથા ઘઉંના કટ્ટા નંગ ૩૮ જેનું વજન ૧૯૦૦ કિલોગ્રામ કુલ મળી ૮૭ કટ્ટા અનઅધિકૃત રીતે મળી આવતા તપાસ ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.આ સીઝ કરેલ જથ્થો ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવ્યો હોવાનું અને તાલુકા કક્ષાએથી કાયદેસરની કાર્યવાહી કરી દાહોદ જિલ્લા પુરવઠા કલેક્ટર સમક્ષ વિગતો મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.ત્યારે તાલુકામાં આવેલ સસ્તા અનાજની કેટલાક દુકાન સંચાલકો કે જેઓ ગેરરીતી આચરી રહ્યા છે તેઓમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.