નકલી કા. ઇજનેર સંદીપ રાજપૂતની 6 બોગસ સરકારી કચેરીઓને ગ્રાન્ટ ના નાંણા ફાળવવાના પૂર્વ યોજીત જેવા વહીવટો સામે..
દાહોદ કલેકટરને આદિવાસી અગ્રણીઓ દ્વારા સુપ્રત કરેલા આવેદનપત્રમાં કસૂરવાર ચહેરાઓ ને જેલ ભેગા જો નહીં કરાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન શરૂ કરાશે નો લલકાર.!!
દાહોદ તા.21
દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીના સત્તાધીશો દ્વારા 2018 થી 2023 સુધીના પાંચ વર્ષોના સમયગાળા દરમિયાન ” આંખો બંધ રાખી ” ને નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતની 6 બોગસ સરકારી કચેરીઓને વિવિધ વિકાસના 100 જેટલા કામોની વહીવટી મંજૂરીઓ આપીને 18.59 કરોડ રૂપિયાની ગ્રાન્ટ નાંણા ફાળવવામાં આવ્યા હોવાના બહાર આવેલા આ મહા કૌભાંડને લઈને દાહોદ જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજમાં સ્તબ્ધતા પ્રસરી જવા પામી છે. એમાં આજરોજ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા આદિવાસી પ્રજાજનોના હકકો અને અધિકારોને કોરાણે મૂકીને છેલ્લા પાંચ વર્ષોથી 6 બોગસ સરકારી કચેરીઓને 18.59 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટના નાંણા ફાળવવાના આ ચોકાવનારા પ્રકરણમાં રાજકીય નેતાઓ અને અધિકારીઓની મિલીભગત હોય તો જ આ મહાકૌભાંડ શક્ય બને એમ છે. ત્યારે જો જે તે કસુવાર ચહેરાઓ સામે તા. 5 ડિસેમ્બર સુધીમાં સખ્ત કાયદેસર કાર્યવાહીઓ કરવામાં નહીં આવે તો દાહોદ જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આગામી તારીખ 10 ડિસેમ્બરના રોજ થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ના શ્રી ગણેશ કરવાનો રણટંકાર સાથે નો આવેદનપત્ર આજરોજ દાહોદ કલેકટરને સુપ્રત કરતા આ મહા કૌભાંડના પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંડોવાયેલા ભલભલા ચહેરાઓ અંદર ખાને પરશેવે રેબઝેબ થઈ જાય એવી જાગૃતતાઓ આદિવાસી સમાજના અગ્રણીઓએ બતાવીને હવે આ મહાકૌભાંડ સામે રણ મેદાનમાં ઉતાર્યા છે.!!
દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીના અસલી અધિકારીઓ દ્વારા નકલી કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપૂતની 6 બોગસ સરકારી કચેરીઓ દ્વારા મુખ્યત્વે સિંચાઈ સુવિધાઓ અને પીવાના પાણી માટેના 100 જેટલા કામોની રજૂ કરવામાં આવેલ દરખાસ્તોને વહીવટી મંજૂરીઓ આપી દઈને નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતને અમલીકરણ અધિકારી બનાવીને 6 બોગસ સરકારી કચેરીઓને 18.59 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ના નાંણા ફાળવવાના તબક્કા વારના આ પાંચ વર્ષોનો વહીવટ મહાકૌભાંડ માં ફેરવાઈ જતા દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં પણ આ ઘટના ના ઉગ્ર પ્રત્યાધાતો ઉભા થયા છે. એટલા માટે કે દાહોદ જિલ્લાના આદિવાસી પ્રજાજનો ના હકકો અને અધિકારો માટે સરકાર પારદર્શક વહીવટ ની વાતો કરીને કરોડો રૂપિયાની ગ્રાન્ટના નાણાં ફાળવે છે અને આ સિદ્ધિઓના પ્રચાર અને પ્રસાર દરેક રાજકીય મંચ ઉપર થી થતા હોય છે.આદિવાસી સમાજ નિરક્ષર છે અને કોઈ ને ખબર પડશે નહીં ના રાજકીય અને વહીવટી અહમના દંભ વચ્ચે 6 બોગસ સરકારી કચેરીઓ ને કરોડો રૂપિયાની ગ્રાન્ટ નાંણા ફાળવવામાં આવ્યા હોવાના બહાર આવેલા આ મહાકૌભાંડને લઈને આદિવાસી સમાજ મા પણ રાજકીય મતભેદો અને રાજકારણને ભૂલી જઈને સમાજ ના હકકો અને અધિકારો માટે એક સંપ જેવી જાગૃતતાઓ અગામી દિવસોમાં આક્રમક બને એવા એંધાણો શરૂ થયા છે..
” લોહા ગરમ હે હથોડા ઠોક દો ” જેવો રાજકીય માહૌલ ગરમાયો.!!
દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના જાગૃત અગ્રણીઓ દ્વારા દાહોદ કલેકટરને સુપ્રત કરેલા આવેદનપત્રમાં 6 નકલી સરકારી કચેરીઓને લાગલગાટ પાંચ વર્ષો સુધી સરકારી ગ્રાન્ટ ના નાંણા ફાળવવાના આ બહાર આવેલા ચોકાવનારા મહાકૌભાંડ માં દાહોદના સંસદસભ્ય જશવંતસિંહ ભાભોરની બેજવાબદાર ફરજો પ્રત્યે પણ ભારોભાર નારાજગીઓ વ્યક્ત કરીને સ્થાનિક સમાજના અગ્રણીઓને સાથે રાખીને નકલી સરકારી કચેરીઓના વિકાસ કામો ની સ્થળ તપાસો ની માંગ કરતા દાહોદ જિલ્લામાં રાજકીય મોરચે પણ 18.59 કરોડ રૂપિયાના બહાર આવેલા ચોકાવનારા મહાકોભાંડમાં હવે ” લોહા ગરમે હથોડા ઠોક દો ” જેવો રાજકીય માહૌલ સર્જાયો છે.