દેવગઢ બારીયા એપીએમસીની ચૂંટણીમાં 9 જેટલા ફોર્મ પરત ખેચાતા હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા…
દેવગઢબારીયા તા. ૩
દેવગઢ બારીયા એપીએમસીની ચૂંટણીને લઈને એક જ પક્ષમાંથી 24 જેટલા ફોર્મ ભરાતા સર્જાયેલા રાજકીય ગરમાવા વચ્ચે રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં આજરોજ નવ જેટલા ફોર્મ પરત ખેંચાતા બંને વિભાગના ઉમેદવારોને મુખ્ય ચુંટણી અધિકારીએ બિનહરીફ જાહેર કર્યા હતા, જેને લઇને ભાજપા પરિવાર સહિત શુભેચ્છકોએ તમામ ને શુભેચ્છાઓ પાઠવી હતી.
મળતી માહિતી મુજબ દેવગડ બારીયા સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની હાલની મુદત પૂરી થતાં આગામી પાંચ વર્ષ માટે સમિતિમાં સ્થાન મેળવવાને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ફોર્મ ભરવાની છેલ્લી ઘડી સુધીમાં ખેડૂત વિભાગમાંથી 18 અને વેપારી વિભાગમાંથી છ મળી કુલ 24 જેટલા નિયુક્તપત્રો રજૂ થતાં અનેક અટકળોએ જન્મ લીધો હતો. જેમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન ખેડૂત વિભાગમાંથી એક ફોર્મ રદ થવા પામ્યું હતું જ્યારે આજરોજ ફોર્મ પરત ખેંચવાની તારીખ જાહેર કરવામાં આવેલ હતી. જેને લઈને રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, તાલુકા પંચાયત પ્રમુખ, પાર્ટી પ્રમુખ અને એપીએમસીના પૂર્વ ચેરમેન સહિત ભાજપના આગેવાનો એક મંચ પર રહેતા પાર્ટીએ આપેલ મેન્ડેડ સિવાયના તમામ ઉમેદવારોએ પોતાના નિયુક્તિ પત્રો સ્વેચ્છાએ પરત ખેંચ્યા હતા. ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી એસ આર પટેલ દ્વારા ખેડૂત વિભાગમાંથી 10 અને વેપારી વિભાગમાંથી 4 મળી કુલ 14 સભ્યોને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દેવગઢ બારીયા ની સામાન્ય ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. જેને લઇને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ સહિત તાલુકાના ભાજપા પરિવાર દ્વારા ચૂંટાયેલ સમિતિને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે ફરી એકવાર એપીએમસીનો કારભાર ભાજપાએ સંભાળી લીધો છે ત્યારે કોના સીરે મહોર મારી ચેરમેન પદ આપવામાં આવશે એ તો આગામી 10 તારીખે જ જણવા મળે તેમ છે.