બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં વિભાજન થયેલ સૂચિત ગ્રામ પંચાયતોમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા બારોબાર કોમ્પ્યુટર ઓપરેટરના ઓર્ડર અપાયા!?
વિભાજન થયેલ ગ્રામ પંચાયત ના ઠરાવ,જાહેરાત અને ઇન્ટરવ્યૂ વિના બારોબાર કોમ્પ્યુટર સાહસિકના ઓર્ડર આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ
સુખસર,તા.૨૫
ફતેપુરા તાલુકામાં તાલુકા પંચાયતની કેટલીક કામગીરી અવાર-નવાર વિવાદોમાં ઘેરાય છે.જેમાં અગાઉ પણ કિસાન નિધિ યોજના, નરેગા યોજના,રોડ-રસ્તાની ગેરરીતી, તાલુકા પંચાયતમાંથી ચેક ચોરી કૌભાંડ સહિત અનેક નાની-મોટી ગેરરીતીઓ પ્રકાશમાં આવેલી છે.જ્યારે હાલમાં ગ્રુપ ગ્રામ પંચાયતો માંથી વિભાજન થઈ ગ્રામ પંચાયતો (સૂચિત) દરજ્જો આપવામાં આવેલ ગ્રામ પંચાયતો પૈકી કેટલીક ગ્રામ પંચાયતોમાં તાલુકા કક્ષાએથી નિયમ મુજબ કરવી પડતી કાર્યવાહી કર્યા વિના તાલુકા પંચાયત સત્તાધિશો દ્વારા બારોબાર કોમ્પ્યુટર સાહસીકોના ઓર્ડર આપી દેવાતાં પ્રજામાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ દરેક ગ્રામ પંચાયતોમાં એક કોમ્પ્યુટર સાહસિકની નિયમોને આધીન રહી જગ્યા ભરવાનો સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે.તેમજ આ જગ્યા યોગ્ય અને લાયકાત ધરાવતા ઉમેદવારથી ગ્રામ પંચાયત ઠરાવ કરી,જાહેરાત આપી, ઇન્ટરવ્યૂ લઈ કોમ્પ્યુટર સાહસિકની પસંદગી કરવાની હોય છે. પરંતુ હાલ ફતેપુરા તાલુકામાં વિભાજન થયેલ સૂચિત ગ્રામ પંચાયતોમાં હાલ કોઈ સરપંચ કે વોર્ડ સભ્યો નથી.તેમજ આ ગ્રામ પંચાયતોની ચૂંટણી ક્યારે થશે તેનો પણ સરકાર દ્વારા ચોક્કસ કોઈ હાલ સુધી નિર્દેશ કરવામાં આવેલ નથી. અને આ ગ્રામ પંચાયતો વહીવટદારોથી ચલાવાઇ રહી છે.તેમ છતાં કેટલીક સૂચિત ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર સાહસિકોના ઓર્ડર આપી દેવાતા કોમ્પ્યુટર સાહસિકોની નિમણૂક માટે દરખાસ્ત કોણે કરી?ઠરાવ કોના દ્વારા કરવામાં આવ્યો?અને આ ઠરાવ કોની સંમતિથી પસાર કરવામાં આવ્યો?અને જાહેરાત કે ઇન્ટરવ્યૂ વિના કોમ્પ્યુટર સાહસિકના બારોબાર ઓર્ડર કેવી રીતે આપવામાં આવ્યા?તેવી જાગૃત લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
અહીંયા નોંધનીય બાબત છે કે, ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ-૧૨/૯/૨૦૨૩ ના રોજ કોમ્પ્યુટર સાહસિકોના ઓર્ડર આપવામાં આવેલ છે.જેમાં ઇન્ટરવ્યૂ તારીખ તેમજ સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવની તારીખ માં ખાલી જગ્યા રાખી કોમ્પ્યુટર સાહસિકને માર્ગદર્શિકા દરેક ગ્રામ પંચાયતને અત્રેની કચેરીના પત્ર નંબર તા.પ/વીપી/વશી/૨૮૫૧/૨૯૦૭ જણાવી પસંદ થયેલ ઉમેદવારોને નિયુક્ત કરવા પત્ર નંબર તથા તારીખ જણાવ્યા વિના જરૂરી અમલ કરવા અને તે અંગેના લેખિત રિપોર્ટ તાલુકા પંચાયત કચેરીએ મોકલવા નવીન નિમણૂક પામેલ કોમ્પ્યુટર સાહસિકોને જણાવવામાં આવ્યું છે.ત્યારે પ્રશ્ન એ થાય કે જે-તે ઉમેદવારને નિયુક્તિ બાદ ઇન્ટરવ્યૂ તારીખ,સરકારના ઠરાવ,નિયુક્તિ અંગેનો હુકમ ના નંબર તથા તારીખ વિના નિયુક્તિ ઓર્ડર આપવાની જરૂરિયાત કેમ પડી?તેવી પણ જાગૃત નાગરિકોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.