
બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ ગામે મંજૂર થયેલ ચેક વોલ ની તપાસ કરી પેમેન્ટ સ્ટોપ કરવા ડી.ડી.ઓને રજૂઆત
સરસવા પૂર્વ ગામે મંજૂર થયેલ ચેક વોલ ની કામગીરી વિના રૂપિયા 2.80 લાખ બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
રૂપિયા 4.80 લાખના ખર્ચે રે.સ.ન 139 વાળી જમીનમાં ચેક વોલ બનાવવા મંજૂરી મેળવ્યા બાદ કામગીરી નહીં કરાતા જમીનના કબજેદારે રજૂઆત કરી
સુખસર,તા.12
ફતેપુરા તાલુકા પંચાયતના એન.આર.જી શાખા અવાર-નવાર વિવાદના વંટોળમાં ઘેરાતી આવેલ છે. જેમાં મોટાભાગે વિવિધ વિકાસકામોની જગ્યાએ સરકારી નાણાનો દૂરવ્યય કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠતી રહે છે.તેવી જ રીતે હાલ સરસવા પૂર્વ ગામે મંજૂર કરવામાં આવેલ ચેક વોલની કામગીરી કર્યા વિના બારોબાર નાણાં ઉપાડી લેવાતા જમીનના કબજેદારે કામગીરી કર્યા વિના ઉપાડી લીધેલ નાણા સરકાર દ્વારા પરત રિકવર કરવા આવે તેમજ આ કામગીરીમાં બેદરકારી દાખવનાર એન.આર.જી શાખાના જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી દાહોદ જિલ્લા ડી.ડી.ઓ ને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ સરસ્વા પૂર્વ ગામે આવેલ રે.સ.ન 139 વાળી જમીન બાદરાભાઈ કમાભાઈ ડામોરના ઓના નામે ચાલે છે.આ જમીનમાં વર્ષ 2020-21 માં રૂપિયા 4.80 લાખ ના ખર્ચે એન.આર.જી શાખા દ્વારા ચેકવોલ બનાવવા ઈશ્વરભાઈ બાદરાભાઈ ડામોરે માંગણી કરતા મંજૂરી આપવામાં આવી હતી.પરંતુ જે જગ્યાએ આ ચેક વોલ બનાવવા મંજૂરી મેળવેલ તે જગ્યાએ આજદીન સુધી કોઈ જ કામગીરી કરવામાં નહીં આવી હોવા છતાં આ ચેકવોલના નામે મસ્ટરો દ્વારા રૂપિયા 2.80 લાખ ઉપાડી લેવામાં આવ્યા હોવાની જમીન માલિકના કબજેદાર પુત્ર ખુમાનસિંહ બાદરાભાઈ ડામોરે વર્ષ 2022 માં ફતેપુરા તાલુકા પંચાયત એન.આર.જી શાખામાં લેખિત રજૂઆત કરી હતી.અને જ્યાંથી અમો સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશુંનું આશ્વાસન આપવામાં આવેલ હતું.
ત્યારબાદ પણ આ રજૂઆત પ્રત્યે કોઈ ધ્યાન નહીં આપી આ જગ્યાએ કામગીરી બતાવી મસ્ટરો દ્વારા 2.80 લાખ રૂપિયા ફાળવી આપવામાં આવતા આ બાબતે એન.આર.જી શાખામાં ખુમાનસિંહ ડામોરે રૂબરૂ જઈ રજૂઆત કરી તપાસની માંગ કરતાં હાજર એ.પી.ઓ દ્વારા આવી રજૂઆતો અમારી પાસે ઢગલાબંધ પડેલી છે,નો જવાબ આપી અરજદારની રજૂઆત પ્રત્યે આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહી હોવાના આક્ષેપ સાથે આ કામગીરીની ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તેમજ તે જગ્યા ઉપર કામગીરી કરવામાં નહીં આવેલ હોય તો જે મસ્ટરો દ્વારા નાણાંની ચુકવણી કરવામાં આવેલ છે તે પરત ભરપાઈ કરવા અને હવે પછી આ કામગીરીના નામે નાણાં નહીં ચૂકવવા તેમજ આ કામગીરીમાં આંખ આડા કાન કરી ગેરકાયદેસર નાણાની ચુકવણી કરનાર જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.