લીમખેડા તાલુકાના પાલ્લી ગામે રહેણાંક મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ના દરોડા, 51,000 ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો..
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે સ્ટેટ મોનિટરીંગ સેલ સ્કવોડે એક રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંક મકાનમાં કોઈ હાજર ન મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે એસઆરપી ના જવાનોની મદદથી તલાસી લેતા મકાનમાંથી ૫૧ હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા એસએમસીએ મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતા બે તેમજ વિદેશી દારૂનો જથ્થો પહોંચાડનાર વિરૂદ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના પાલ્લી પેપરમીલ ફળિયાના રહેવાસી રાજુભાઈ મુળાભાઈ વણકર તેઓના રહેણાંક મકાનમાં દિનેશ મુળાભાઈ વણકર જોડે મળી વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ની ટીમને મળતા તેઓએ બાતમીના આધારે એસઆરપી જવાનોની મદદથી પાલ્લી પેપરમીલ ફળિયામાં રાજુભાઈ મુળાભાઈ વણકરના રહેણાંક મકાનમાં ઘેરો ઘાલી દરોડો પાડતા ઉપરોક્ત બંને વ્યક્તિઓ દરોડા સમયે હાજર ન મળતા પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે મકાનની તલાસી લેતા તેમાંથી જુદા જુદા માર્કની ૪૮૮ બોટલો મળી 51,200 નો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવતા સ્ટેટ મોનિટરિંગ સેલે આ બનાવ સંદર્ભે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરનાર રાજુભાઈ મુળાભાઈ વણકર,દિનેશભાઈ મુળાભાઈ વણકર, તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર મળી કુલ ત્રણ સામે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.