
રાજસ્થાન તરફથી સિમેન્ટની થેલીઓ ભરીને ઝાલોદ આવતી ટ્રક લખણપુર ગામે પલટી મારી: ક્લીનરનો મોત,ચાલકનો બચાવ..
ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દેવદૂત બનીને પહોંચેલી 108 ના EMT તેમજ પાઇલોટે ભારે જહેમત બાદ ચાલકનો જીવ બચાવ્યો.
દાહોદ તા.17
રાજસ્થાનના બાસવાડા ખાતેથી સિમેન્ટની થેલીઓ ભરીને ફતેપુરાના રસ્તે ઝાલોદ તરફ આવતી ટ્રકના ચાલકે લખનપુર નજીક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સિમેન્ટની થેલી ભરેલી પલટી મારી નજીકમાં આવેલા ખાડામાં ખાબકતા સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં ટ્રકના કંડકટરનું ટ્રક નીચે દબાઈને ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે ટ્રકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિકોએ 108 ને બોલાવી ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢી પ્રાથમિક સારવાર અપાતા ચાલકનું આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પવનભાઈ સરપોટા નામક ટ્રક ચાલક ક્લીનર સાથે રાજસ્થાનના બાસવાડા તરફથી સિમેન્ટની થેલીઓ ભરીને ફતેપુરાના રસ્તે ઝાલોદ તરફ આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં લખનપુર નજીક પુરપાટ આવતી આ ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી હતી. જેના પગલે ટ્રક નો ચાલક તેમજ ક્લીનર સિમેન્ટની થેલી ભરેલી ટ્રક નીચે દબાઈ ગયો હતો જોકે અકસ્માત બાદ ભેગા થયેલા સ્થાનિકોએ તાબડતોડ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી અને ટ્રકના ચાલક અને ક્લીનરને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિકોએ 108 ની મદદથી ટ્રક ચાલક અને ક્લીનરને બહાર કાઢ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણી વાર થઈ ગઈ હતી અને ચાલકના પ્રાણ-પખેર ઉડી ગયા હતા. તથા ટ્રકના ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. પરંતુ આ ટ્રકના ચાલક માટે દેવદૂત સમાન બનીને આવેલી 108 ના ઇએમટી આશિષ ડામોર તેમજ પાયલોટ કનુભાઈ ખાટે અટક ચાલકને ઓક્સિજન , સીપીઆર સહિતની પ્રાથમિક સારવાર આપતા તેની હાલત સ્થિર બની હતી ત્યારબાદ 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ ટ્રકના ચાલકને વધુ સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો. હાલ આ ઘટના સંદર્ભે ફતેપુરા પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.