
દાહોદ નગરપાલિકા નું અધધ…78 લાખ રૂપિયા નો વીજ બિલની ભરપાઈ ન થતા આગામી દિવસોમાં શહેરીજનો વીજ પુરવઠાથી વંચિત રહેવાના અણસાર..??
દાહોદ શહેરમાં વોટર વર્ક તેમજ સ્ટ્રીટ લાઈટો વિગેરેના વીજ જોડાણો કપાઈ જવાના એંધાણ વચ્ચે પાલિકાએ છેલ્લી ઘડીએ દસ લાખ રૂપિયાનું આરટીજીએસ કરાવ્યું..
દાહોદ તા.17
આગામી થોડાક કલાકોમાં દાહોદ શહેરને વીજ પુરવઠો પ્રાપ્ત ન થવાના કારણે પાણી પુરવઠાથી વંચિત રેહવું પડે તથા દાહોદ શહેરના રાજમાર્ગોને અંધારપટ ભોગવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ નગરપાલિકાને આખરની નોટિસ આપી વોટર સપ્લાય એટલે વોટર વર્ક્સ, અને સ્ટ્રીટ લાઈટ વિગેરે વીજ જોડાણો ધરાવતા મિટરોના રીડિંગ મુજબ 78 લાખ કરતા પણ વધુ નાણાં 24 કલાકમાં ભરપાઈ કરવાનું જણાવતા પાલિકા તંત્ર સહીત શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે આ અંગે નગરપાલિકા દ્વારા શું શું એક્શન લેવાયા તે હજી જાણી શકાયું નથી. પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ પુરવઠો બંધ કરવાની એક્શનમાં આવવાની તૈયારીઓ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થવા પામી છે. ત્યારે સ્માર્ટ સીટી અંધાર પટ ભોગવશે..? પીવાના પાણીની સમસ્યાનો સામનો કરશે.? કે પછી આ સુવિધાઓ અવિરત રહેશે તેવી સ્માર્ટનેશ અપનાવશે તે કળવું હાલ મુશ્કેલ છે.
દાહોદ નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ માસથી મધ્ય ગુજરાત વીજ કંપનીના જુદા-જુદા વિસ્તારમાં આવેલ જેવા કે વોટર વર્ક્સ, NRGP, અને સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણ ચીફ ઓફિસર નગરપાલિકાના નામે ધરાવે છે. જેના 13 મી જાન્યુઆરીની સ્થિતિએ 78,75,017 જેટલાં નાણાં ભરપાઈ ન થતા મધ્ય ગુજરાત વીજ કંપનીએ દાહોદ નગરપાલિકાને 24 કલાકમાં વીજ બીલ ભરપાઈ કરવાની અંતિમ નોટિસ આપી છે. નોટિસમાં જણાવ્યા મુજબ વોટર વર્ક્સના 50,52,342 સ્ટ્રીટ લાઈટના 29,64,702 તથા NRGP ના 7,57,971 મળી કુલ 78,75,017 લાખ રૂપિયાની માતબર રકમનું બિલ MGVCL માં બાકી હોવાથી અગાઉ બે નોટિસ આપવા છતાં પાલિકા દ્વારા બાકી વીજ બિલ ની ભરપાઈ ન કરાતા તારીખ 13 મી જાન્યુઆરીના રોજ 24 કલાકમાં વીજ બિલ ભરપાઈ અંગેની આખરી નોટિસ MGVCL દ્વારા જારી કરવામાં આવી હતી. જો આ વીજ બિલ નું સમય પ્રમાણે ભરવાની તજવીજ અથવા તે અંગેની કોઈ કાર્યવાહી નહીં કરો તો આવા વીજ જોડાણોને અપાતો વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડશે. અને તે અંગે જનતાને પડતી મુશ્કેલીઓ તેમજ હાલાકી કે અગવડ માટે ચીફ ઓફિસર જ જવાબદાર ગણાશે તેમ જણાવ્યું હતું. જોકે તહેવારોમાં બે દિવસની રજા અને પતંગ દોરી તેમજ અન્ય મેન્ટેનન્સના કારણે સક્રિયતા ન દાખવી સકતા MGVCL એ આજે હરકતમાં આવી કાર્યવાહી કરવાનાં એધાણ કરતા નગરપાલિકા હરકતમાં આવી હોવાનું જાણમાં આવ્યું છે. આજે તો વીજ જોડાણો કપાતા બચી જવા પામ્યા છે. એટલું જ નહિ પણ મધ્ય ગુજરાત વીજ કંપનીના અતરંગ વર્તુળજાણવા મળ્યા મુજબ પાલિકા દ્વારા બાકી રકમ પૈકી 10 લાખ રૂપિયાની માટેની રકમનું સ્ટ્રીટ લાઈટ પેટે RTGS દ્વારા મોકલ્યા હોવાનું જાણવા મળેલ છે. તથા આની રકમ ભરવા માટે સમયની માંગણી કરી હોવાનું પણ જાણમાં આવ્યું છે ત્યારે આ અંગે હવે આગામી 24 કલાકમાં શું સ્થિતિ સર્જાશે.? તે જોવું રહ્યું.