
રખડતા કૂતરાનું આતંક.. ફતેપુરા તાલુકાના ડુંગરામાં ખેતરમાં પતંગ ચગાવતા સાત વર્ષીય બાળકના માથામાં બચકા ભર્યા
થોડા દિવસ પૂર્વે સુખસરમાં પણ હડકાયા કૂતરાએ સંખ્યાબંધ લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત બનાવ્યા હતા..
દાહોદ તા.10
દાહોદ જિલ્લામાં રખડતા શ્વાનનો દિવસે દિવસે આતંક વધતો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલાં સુખસર પંથકમાં પણ એક શ્વાને 15થી વધુ લોકોને બચકાં ભરીને ઘાયલ કર્યા હતાં. ત્યારે સોમવારના રોજ ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે પાંચેક મિત્રો ખેતરમાં પતંગ ચગાવી મોજ કરી રહ્યા હતાં.તે વખતે ત્યાં ચઢી આવેલું શ્વાન ગળી ફળિયામાં રહેતાં 7 વર્ષિય વિકેશ મુકેશભાઇ ભાભોર પાછળ દોડ્યું હતું. જેથી શ્વાનથી બચવા વિકેશે પણ દોટ મુકી હતી. ભાગતાં-ભાગતાં વિકેશ પડી ગયો હતો. ત્યારે પાછળ પડેલા શ્વાને તેના માથામાં બચકાં ભરતાં સાથે પતંગ ચગાવતા મિત્રોમાં ભયને કારણે નાસભાગ મચી ગઇ હતી. ત્યારે ઘટના સ્થળે ધસી ગયેલા વિકેશના પરિવાર દ્વારા તેને લોહીલુહાણ હાલતમાં ફતેપુરાના સરકારી દવાખાને ખસેડ્યો હતો. ગંભીર ઇજાને કારણે પ્રાથમિક સારવાર બાદ વિકેશને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેને અહીં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના આખા ડુંગરા ગામમાં ચર્ચા નો વિષય બની છે.