રાજેશ વસાવે :- દાહોદ
દાહોદથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ.
આ યોજનાની શરૂઆત કરનાર દાહોદ દેશભરમાંથી પ્રથમ જિલ્લો; 57 સરકારી શાળાના 6,020 વિદ્યાર્થીઓને મળશે પૌષ્ટિક ભોજન
દાહોદ, તા. 16 સપ્ટેમ્બર:
ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ મધ્યાન ભોજન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર યોજનાનો દાહોદ જિલ્લામાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ અંતર્ગત ધોરણ 8 બાદના વિદ્યાર્થીઓને પણ શાળામાં પૌષ્ટિક આહાર મળી રહે તે માટે નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યારે સમગ્ર દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દાહોદ જિલ્લામાંથી તેની શરૂઆત કરવામાં આવી રહી છે.હાલ ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન તથા મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અમલમાં છે. જોકે, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધી મધ્યાહન ભોજનની આવી કોઈ યોજના નહોતી. દાહોદ જિલ્લામાં શરૂ થનારી નવી યોજનાથી આ ખાધ પૂરી થવાની છે.

દાહોદ જિલ્લામાં આવેલી આશરે 64 સરકારી શાળાઓ પૈકી હાલ 57 શાળાઓમાં આ યોજનાનો અમલ કરવામાં આવશે. આ શાળાઓમાં અભ્યાસ કરતા કુલ 6,020 વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળશે. યોજનાના અમલીકરણ માટે સરકાર દ્વારા વાર્ષિક આશરે રૂ. 3.50 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ યોજનાનો શુભારંભ દાહોદની 11 શાળાઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યો છે. જ્યારે કેટલીક શાળાઓમાં પહેલેથી જ મધ્યાહન ભોજન યોજના અમલમાં છે.

*આદિવાસી બાળકોના પોષણ અને ડ્રોપઆઉટ ઘટાડવા પર ભાર*

દાહોદ જિલ્લાને એક્સપિરેશન ડિસ્ટ્રિક્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો હોવાથી આ પાયલોટ પ્રોજેક્ટ માટે દાહોદની પસંદગી કરવામાં આવી છે. જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારો વસે છે અને અનેક પરિવારોના માતા-પિતા વહેલી સવારે મજૂરી અર્થે ઘરેથી નીકળી જાય છે. ધોરણ 1થી 8ના બાળકોને શાળામાં મધ્યાહન ભોજન મળતું હોવા છતાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધી આવી સુવિધા ઉપલબ્ધ નહોતી.પરિણામે કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં ભોજનના અભાવે બહારથી પડીકા, નાસ્તા કે અન્ય તળેલી વસ્તુઓનું સેવન કરતા હોવાની સ્થિતિ સામે આવતી હતી.
નવી અલ્પાહાર યોજનાથી વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને સંતુલિત આહાર મળી રહે તેમજ તેમના શારીરિક અને સર્વાંગી વિકાસમાં મદદ મળે તેવો હેતુ રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત ધોરણ 8 બાદ વિદ્યાર્થીઓ શાળા છોડે નહીં અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં મદદ મળે તે દિશામાં પણ આ યોજનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શાળામાં એક ટંકનું ભોજન ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે પોષણનો પણ લાભ મળશે.

*પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સાથે જ બનશે ભોજન*

યોજનાની અમલવારી માટે દાહોદના પુરવઠા અધિકારીને અમલીકરણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટેનું અલ્પાહાર/મધ્યાહન ભોજન નજીકની પ્રાથમિક શાળામાં ચાલતી મધ્યાહન ભોજન વ્યવસ્થા સાથે જ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ સંબંધિત વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.દાહોદ જિલ્લામાં હાલમાં અનેક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા કાર્યરત છે, જ્યારે 11 જેટલી શાળાઓમાં હાઈસ્કૂલ માટે અલગ પરિસર અને જમીનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ માળખાનો ઉપયોગ કરીને નવી યોજનાનો અમલ કરવામાં આવશે.

*88 હજાર ગ્રાન્ટ-ઇન-એઇડ વિદ્યાર્થીઓને હાલ લાભ નહીં*

દાહોદ જિલ્લામાં સરકારી, અર્ધસરકારી અને ખાનગી શાળાઓ મળી અંદાજે 1.20 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલ આ પાયલોટ પ્રોજેક્ટનો લાભ માત્ર સરકારી શાળાના 6,020 વિદ્યાર્થીઓને મળશે. જિલ્લામાં આવેલી આશરે 195 ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 88 હજાર વિદ્યાર્થીઓનો હાલ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આવનારા સમયમાં ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યા બાદ ત્યાંના વિદ્યાર્થીઓને પણ યોજનાનો લાભ મળવાની શક્યતા છે.જિલ્લા શિક્ષણ વિભાગ, જિલ્લા પુરવઠા તંત્ર, રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ, મંત્રીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સંકલનથી દાહોદમાં આ મહત્વાકાંક્ષી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. યોજના અંતર્ગત ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને દરરોજ અલગ-અલગ મેનુ મુજબ પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે
