ગરબાડાના ગુંગરડીમાં ઝેરી કોબ્રાનો આતંક: બે મરઘીઓને ડંખ મારી ૯ ઈંડા ગળી ગયો, સમયસૂચકતાથી પરિવારનો આબાદ બચાવ

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના ગુંગરડીમાં ઝેરી કોબ્રાનો આતંક: બે મરઘીઓને ડંખ મારી ૯ ઈંડા ગળી ગયો, સમયસૂચકતાથી પરિવારનો આબાદ બચાવ

દાહોદ તા. 6

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના સીગા મહુડા ફળિયામાં એક હૃદયધબકાવનારી ઘટના સામે આવી છે. રહેણાક મકાનમાં અચાનક અત્યંત ઝેરી કોબ્રા (કાળો નાગ) ઘૂસી આવતા સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ગુંગરડી ગામના સીગા મહુડા ફળિયામાં રહેતા પરિવારના મકાનમાં ઝેરી કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. ઘરમાં ઘૂસેલા આ ખતરનાક કોબ્રાએ આતંક મચાવતા બે મરઘીઓને ડંખ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આટલેથી ના અટકતા, આ ઝેરી સાપે મરઘીના ૯ જેટલા આખા ઈંડા એકપછી એક ગળી લીધા હતા.

ઘરમાં અચાનક અવાજ આવતા પરિવારજનો એ ખૂણામાં વિષધર નાગને જોતા જ તેમના હોશ ઊડી ગયા હતા. જોકે, પરિવારે સમયસૂચકતા વાપરીને સહેજ પણ ગભરાયા વગર તુરંત જ સ્નેક રેસ્ક્યુઅરને ઘટનાની જાણ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલા સ્નેક રેસ્ક્યુઅરે ભારે જહેમત બાદ ઝેરી કોબ્રાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સાપને ઘરની બહાર લાવવામાં આવ્યા બાદ એક આશ્ચર્યજનક દ્રશ્ય સર્જાયું હતું, જેમાં કોબ્રાએ ગળી ગયેલા તમામ ૯ ઈંડા મોંમાંથી બહાર કાઢી નાખ્યા હતા.

પરિવારની સમયસૂચકતા અને ઝડપી નિર્ણયને કારણે એક મોટી હોનારત ટળી હતી અને પરિવારનો આબાદ બચાવ થયો હતો. સફળ રેસ્ક્યુ બાદ સ્નેક રેસ્ક્યુઅર દ્વારા આ ઝેરી કોબ્રા સાપને સુરક્ષિત રીતે નજીકના ફોરેસ્ટ (જંગલ) વિસ્તારમાં રિલીઝ (મુક્ત) કરવામાં આવ્યો હતો, જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Share This Article