રાજેશ વસાવે :- દાહોદ
અમદાવાદ-ઈન્દોર હાઇવે પર સોલર પેનલ ભરેલી આઇસર ગાડીમાં ભીષણ આગ.!
લાખો રૂપિયાની સોલર પેનલો બળીને ખાખ, સદનસીબે જાનહાનિ ટળી
દાહોદ તા.02
અમદાવાદ-ઈન્દોર હાઇવે પર દાહોદના વડબારા ગામ નજીક સોલર પેનલ ભરેલી એક આઇસર ગાડીમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલતી આઇસર ગાડીમાં આગ લાગવાની ઘટનાથી હાઇવે પર થોડા સમય માટે વાહનચાલકોમાં પણ દોડધામ મચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, વડબારા ગામ નજીકથી સોલર પેનલનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી આઇસર ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગાડીમાં ભરેલી સોલર પેનલો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.
ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આઇસર ગાડીમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.આગની આ ઘટનામાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. જોકે, ગાડીમાં ભરેલી લાખો રૂપિયાની કિંમતી સોલર પેનલો આગમાં બળીને ખાખ થઈ જતા મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે આગ કયા ચોક્કસ કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
