બાબુ સોલંકી :- સુખસર
*દાહોદ જિલ્લામાં તમાકુ બનાવટની ચીજ વસ્તુઓના સેવનથી ગંભીર રોગોને આમંત્રણ આપતા બાળકો,સ્ત્રીઓ અને યુવાનો*
*તમાકુના વેચાણ અને સેવન અંગેના નિયમોનું છડેચોક ઉલંઘન?:જાગૃતિની જરૂર*
સુખસર,તા.12
વ્યસન મુક્તિ માટે સરકાર દ્વારા અનેક પ્રકારે જાહેરાતો કરવામાં આવે છે.એક બાજુ તમાકુ કે તેની બનાવટ કરતી ફેક્ટરીને મંજૂરી આપવામાં આવે છે.બીજી બાજુ દેશની પ્રજાને તમાકુ તથા તેની બનાવટના વ્યસનથી દૂર રહેવા જણાવવામાં આવે છે તે કેટલા અંશે વ્યાજબી છે?તમાકુ તથા તેની બનાવટનું સેવન કરવાથી રોજબરોજ અનેક લોકો નીત નવા રોગોના શિકાર બની રહ્યા છે.તેમ છતાં તમાકુની બનાવટની ચીજ વસ્તુઓની માંગમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો હોવાનું જોવા મળે છે.
18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તંબાકુ કે તેની બનાવટનું વેચાણ કરવું તે કાયદાકીય ગુનો બને છે.આવા વાક્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. અને અનેક દુકાનો ઉપર આવા વાક્યો જોવા મળે છે. પરંતુ સરકારના આ કાયદાકીય નિયમનું કોઈ સરકાર કે દુકાનદાર અમલ કરાવતા હોય કે થતો હોય તેવું ક્યાંય જણાતું નથી.આજે નાના શહેર ગામડાઓમાં દુકાનમાં અન્ય ચીજ વસ્તુઓ કરતા તમાકુની બનાવટના પાઉચો વધુ જોવા મળે છે.જે પાઉચો નું સેવન પાંચથી પંદર વર્ષના સગીર બાળકો સહિત યુવાનો અને મહિલાઓ ખુલ્લેઆમ કરતા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.
સરકારના નિયમ મુજબ શૈક્ષણિક સ્થળથી 100 મીટરની આસપાસમાં તમાકુ કે તમાકુ બનાવટની ચીજ વસ્તુઓ રાખી વેચાણ કરી શકાય નહીં.પરંતુ આ નિયમનું પણ શહેર ગામડાઓમાં છડે ચોક ઉલ્લંદન થઈ રહ્યું છે.જેથી આવતા થોડા વર્ષોમાં જે રોગો 50 થી 75 વર્ષની ઉંમરના વ્યક્તિઓને કદાચ થતા હતા તે 15 થી 25 વર્ષની ઉંમરના જવાન.મહિલાઓ તથા બાળકોમાં સ્થાન લઈ લેશે અને દેશના યુવા ધન ઉપર માટી અસર પડશે તેવા પણ અણસાર જણાઈ રહ્યા છે.
પુરુષ સમોવડી થવા મથતી અનેક બહેનો પણ આ તમાકુની બનાવટના પાઉચોના વ્યસનથી બાકાત નથી.આજે મોટા ભાગની અભ્યાસ કરતી બહેનો,ગૃહિણી બહેનો પણ વિના સંકોચે પાન પડીકીઓનું સેવન કરતી જોવા મળે છે.તથા નવરાશની પળોમાં બહેનોનો સમૂહ જ્યાં બેઠો હોય ત્યાં પણ આ પાન પડીકીઓ જાણે પ્રસાદના રૂપે આપવામાં આવતી હોય તેવી ભાવનાથી વહેંચણી કરવામાં આવે છે.અમુક સમજદાર લોકોને બાદ કરતા મોટા ભાગના યુવાનો બીડી, સિગારેટ તથા પાન પડીકોના બંધાણી છે.
દિવસે તથા મોડી રાત્રી સુધી પાનના ગલ્લાઓ વ્યસન યુવાનોથી ધમધમતા જોવા મળે છે.આવનાર સમયમાં આવા વ્યસનથી દેશનું યુવાદન ટી.બી,કેન્સર જેવી અસાધ્ય બીમારીઓમાં સબડતું હશે.ભારત દેશના નાગરિકોની જનેતા સ્ત્રી, ઉજ્જવળ ભવિષ્ય બાળક અને દેશની તાકાત યુવાન આવા વ્યસનથી પીડાશે ત્યારે આ દેશની હાલત કેવી હશે?તે વિચારવા જેવી બાબત છે. આ પાન પડીકીઓ સદંતર બંધ થવી જોઈએ.આ બાબતે સરકાર ધ્યાન આપે,સરકારના કાયદાઓનું વેપારીઓ પાલન કરે અને સમજદાર નિર્વ્યસની લોકો અવાજ ઉઠાવે તો આવનાર સમયમાં જે કુલ રોગો થાય છે તેમાંથી 50% રોગોમાં ઘટાડો થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
