બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરામાં નગરમાં પીવાના અપાતા પાણીના સંપમાં અજાણ્યો શખ્સ ન્હાવા પડતાં સ્થાનિકોમાં આક્રોશ*
*પીવાના પાણીના સંપ પર લોક કે ઢાંકણ જ નથી:લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં?*
*ઘટના સમયે પંચાયતના માણસો હાજર હોવા છતાં કેમ રહ્યા મૌન? જવાબદારો સામે કડક પગલાં ક્યારે?ના સવાલ પૂછતા સ્થાનિક પ્રજાજનો*
સુખસર,તા.12

દાહોદ જિલ્લાના ફતેપુરા માંથી પંચાયતની માનવજીવનને જોખમમાં મૂકતી એક અત્યંત ચોંકાવનારી અને ઘોર બેદરકારી સામે આવી છે. ફતેપુરા પંચાયત દ્વારા લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ગંભીર ચેડાં થઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. આખું ગામ જે સંપ (વોટર ટેન્ક)માંથી પીવાનું પાણી મેળવે છે તે સુરક્ષિત રાખવાને બદલે રામભરોસે છોડી દેવામાં આવ્યો છે.તાજેતરમાં જ આ સંપ પર લોક કે યોગ્ય ઢાંકણ ન હોવાના કારણે એક અજાણ્યો શખ્સ સીધો પાણીના કૂવા(સંપ)માં ન્હાવા માટે ખાબક્યો હતો!તેવા સમયે ગ્રામ પંચાયત તંત્ર સ્થળ ઉપર હાજર હોવા છતાં મૌન કેમ છે તે એક સવાલ છે.
સૌથી વધુ આશ્ચર્ય અને આક્રોશની વાત તો એ છે કે,જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં પંચાયતના માણસો રૂબરૂ હાજર હતા.તંત્રની હાજરી હોવા છતાં પંચાયતના જવાબદાર માણસોએ મૌન કેમ ધારણ કરી રાખ્યું?તે અજાણ્યા યુવકને પાણીમાં ઉતરતા રોકવામાં કેમ ન આવ્યો?તેવા અનેક સવાલો અત્યારે ગામલોકો પૂછી રહ્યા છે. પંચાયતના કર્મચારીઓની નજર સામે જ લોકોના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
જે પાણી આખું ગામ પીવા માટે વાપરે છે.તેમાં કોઈ અજાણી વ્યક્તિ ગમે ત્યારે પ્રવેશી શકે તેવી નબળી સુરક્ષા કેમ રાખવામાં આવી છે? જો પાણીમાં કોઈ ઝેરી પદાર્થ કે અન્ય કોઈ ગંભીર દુર્ઘટના ઘટી હોત, તો તેનો જવાબદાર કોણ હોત? પંચાયતની આ આળસુ અને બિનજવાબદાર નીતિને કારણે આજે આખા ગામના લોકો રોગચાળાના ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. અને ગામ લોકોના સ્વાસ્થ સામે મોટું જોખમ ઊભું થાય તેવા સંજોગો નિર્માણ થઈ રહ્યા હોવાનું જણાય છે.
આ ઘટના બાદ સ્થાનિક મીડિયા દ્વારા ફતેપુરા પંચાયતના જવાબદારો સામે સીધા સવાલો ઊભા કરવામાં આવ્યા છે કે,જનતાના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ક્યારે કડક કાનૂની પગલાં લેવામાં આવશે?શું ઉચ્ચ તંત્ર જાગશે ખરું કે પછી કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે? ગામલોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે આ સંપ ઉપર મજબૂત લોક-ઢાંકણ મારવા અને જવાબદારોને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
