રાજેશ વસાવે :- દાહોદ
તૂટતી પોસ્ટ ઓફિસ સાથે વિખેરાઈ રહી છે.લુણાવાડાની યાદો
1946માં નિર્માણ પામેલી ઐતિહાસિક પોસ્ટ ઓફિસ હવે ઈતિહાસના પાનાંઓમાં સમાઈ રહી છે
લુણાવાડા તા.24
લુણાવાડાના મધ્યસ્થ સ્થળ તરીકે ઓળખાતી અને વર્ષો સુધી શહેરના સામાજિક, સાંસ્કૃતિક તથા વહીવટી જીવનનું કેન્દ્ર રહેલી 1946 માં નિર્માણ પામેલી જૂની પોસ્ટ ઓફિસ હવે તોડી પાડવાની પ્રકિ્રયામાં છે.| લગભગ 80 વર્ષ સુધી શહેરની ઓળખ બની રહેલી આ ઇમારત સાથે અનેક પેઢીઓની લાગણીઓ અને સંસ્મરણો પણ ધીમે ધીમે વિખેરાઈ| રહ્યા છે.
દેશની આઝાદી પૂર્વ અને આઝાદી પછીના સમયગાળાની સાક્ષી રહેલી આ પોસ્ટ ઓફિસે સંચાર વ્યવસ્થાના અનેક ઐતિહાસિક પ્રસંગોને પોતાની અંદર સમાવી રાખ્યા હતા. એક સમય એવો હતો જ્યારે અહીંથી પત્રવ્યવહાર, તાર સેવા, ટૂંક કોલ, મની ઓર્ડર અને બચત યોજનાઓ લોકોના જીવનનો અભિન્ન ભાગ હતી.
વિદેશ કે અન્ય શહેરોમાં રોજગાર માટે ગયેલા લોકોના પ્રેમભર્યા પત્રો હોય, પરિવાર સુધી પહોંચતા ઇમરજન્સીના તાર હોય, રાખડી સાથે મોકલાતા મની ઓર્ડર હોય કે વિદેશમાં વસતા સંતાનો દ્વારા માતા-પિતાને મોકલાતી આરિ્થક સહાય — આ પોસ્ટ ઓફિસે અનેક| લાગણીઓનો વહેવાર જોયો છે.
પોસ્ટ ઓફિસ માત્ર સંચારનું કેન્દ્ર નહોતી, પરંતુ શહેરના સામાજિક| જીવનનું પણ એક મહત્વપૂર્ણ સ્થાન હતી. અહીંના ઓટલા પર વડીલોની બેઠકો જામતી, શહેરના વરઘોડા, તાજિયા, સ્મશાન યાત્રાઓ અને વિવિધ સામાજિક પ્રસંગોના દૃશ્યોના સાક્ષી તરીકે આ ઇમારત વર્ષો સુધી ઉભી રહી હતી.
નોટબંધીના દિવસોમાં સર્જાયેલી અફરાતફરીથી લઈને સરકારી સહાય યોજનાઓ માટેની લાઇનો સુધી અનેક સમયખંડોને નિહાળનાર આ પોસ્ટ ઓફિસ હવે ભૂતકાળનો હિસ્સો બનવા જઈ રહી છે.
મહારાજા શ્રી વીરભદ્રસિંહજીની ભવ્ય સ્મશાન યાત્રાની સાક્ષી રહેલી આ ઐતિહાસિક ઇમારત આજે ભલે તૂટી રહી હોય, પરંતુ તેની સાથે જોડાયેલી અસંખ્ય યાદો લુણાવાડાના લોકોના મનમાં હંમેશા જીવંત રહેશે.
