રાજેશ વસાવે :- દાહોદ
ફિટનેસ ટેસ્ટમાં અનફિટ જાહેર થયેલો દાહોદ સ્ટેશનનો જૂનો FOB તૂટશે, નવા આધુનિક બિ્રજનું કામ શરૂ
રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ 1 થી 2,3, અને 4 નંબર પ્લેટફોર્મની કનેક્ટિવિટી,લિફ્ટ સાથે નવા બ્રીજનું કામ પૂરજોશમાં શરૂ.
દાહોદ, તા. ૧૬

દાહોદ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધામાં આગામી સમયમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અંદાજે રૂ. 23 કરોડના ખર્ચે સ્ટેશનનું આધુનિકીકરણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આ વિકાસકાર્યોના ભાગરૂપે હવે થોડા દિવસોમાં દાહોદ રેલ્વે સ્ટેશન પરનો વર્ષો જૂનો ફૂટ ઓવર બ્રિજ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

માહિતી અનુસાર પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3ને જોડતો અંદાજે 8 મીટર પહોળો વર્ષો જૂનો ફૂટ ઓવર બ્રિજ તાજેતરમાં કરાયેલા ફિટનેસ ટેસ્ટમાં અનફિટ જાહેર થયો હતો. રેલવેના સેફ્ટી એન્ડ મેન્ટેન્સ વિભાગની રિપોર્ટમાં બ્રિજની મજબૂતી ઘટી હોવાનું સામે આવ્યું છે સાથે જ બ્રિજ ના પોપડા ખરવા લાગતા રેલવે તંત્રે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ જુનો ફુટ ઓવર બ્રિજ દૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલાં જ રેલવે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. હાલમાં પશ્ચિમ રેલવે ના રતલામ ડિવિઝન હેઠળ દાહોદ સ્ટેશન ખાતે 10 મીટર પહોળો નવો ફૂટ ઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.આ નવો બ્રિજ પ્લેટફોર્મ નંબર 1, 2, 3 તેમજ નવા પ્લેટફોર્મ નંબર 4 સાથે જોડવામાં આવ્યો છે. જોકે, આ બ્રિજનું સત્તાવાર લોકાર્પણ હજી બાકી હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત મુસાફરોને વધુ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જૂના બ્રિજની બાજુમાં વધુ એક 12 મીટર પહોળો નવો ફૂટ ઓવર બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજમાં લિફ્ટ જેવી સુવિધા ઉપલબ્ધ રહેશે તેમજ તેને તમામ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે, જેથી વડીલો, દિવ્યાંગો અને મહિલાઓને ખાસ સહુલિયત મળશે.રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ નવા બ્રિજનું કામ પૂર્ણ થવામાં હજુ એક વર્ષથી વધુ સમય લાગી શકે છે. જોકે, કામ પૂર્ણ થયા બાદ દાહોદ રેલવે સ્ટેશન વધુ સુરક્ષિત, સુવિધાસભર અને આધુનિક સ્ટેશન તરીકે વિકસશે, જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે.
*ગોદીરોડ તરફની એન્ટ્રી સાથેનો ફૂટ ઓવરબ્રિજ યથાવત રહેશે કે તેણે પણ તોડી પડાશે.? તે અંગે સસ્પેન્સ.?
દાહોદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર વર્ષો જૂનો ફૂટ ઓવર બ્રીજ ફિટનેસ ટેસ્ટમાં અનફિટ થતા ડિસમેન્ટલ કરવામાં આવશે. પરંતુ આ બ્રિજનો એક છેડો તેના જ બાજુમાં આવેલા વધુ એક ફૂટ બ્રિજ સાથે જોડાયેલો છે. આ બ્રિજના ઉપયોગ થકી ગોદીરોડ તરફથી આવતા મુસાફરો સીધા જ પ્લેટફોર્મમાં પ્રવેશ કરે છે. આ સાથે આ બ્રિજ બંને તરફ એટલે કે ગોદીરોડ અને સ્ટેશન રોડ વચ્ચે જનરલ પબ્લિક માટે અવરજવર કરવા માટે ઉપયોગમાં આવે છે. જો રેલવે જૂનું પુલ તોડશે તો તેની સાથે જોડાયેલો ગોદીરોડ થી રેલ્વે સ્ટેશનની બહાર તરફ એન્ટ્રી માટે બનાવેલો બ્રિજ પણ યથાવત રહેશે કે તોડી નાખવામાં આવશે તે અંગે હજી સ્પષ્ટતા નથી.
