ફતેપુરા તાલુકા પંચાયત ચૂંટણીમાં ચોંકાવનારું પરિણામ, કોઈને સ્પષ્ટ બહુમતી નહીં!
દાહોદ તા. ૨૮
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોના જાહેર થયેલા પરિણામોએ રાજકીય સમીકરણોને હચમચાવી દીધા છે. આ વખતે મતદારો દ્વારા કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી આપવામાં આવી નથી, જેના કારણે રાજકીય ગણિત વધુ રસપ્રદ બની ગયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાજપે 6 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે સ્થાન મેળવ્યું છે, પરંતુ બહુમતીથી દૂર રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્નેએ 5-5 બેઠકો જીતીને મજબૂત હાજરી નોંધાવી છે. સાથે જ 2 અપક્ષ ઉમેદવારોના વિજયથી સત્તા રચનામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.
આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે ફતેપુરા તાલુકામાં ત્રિપક્ષીય જંગ વચ્ચે મતદારો વિખૂટા પડ્યા છે અને હવે સત્તા માટે ગઠબંધન રાજકારણની સંભાવનાઓ વધતી દેખાઈ રહી છે.
આગામી દિવસોમાં કોણ કઈ સાથે જોડાય છે અને કોણ તાલુકા પંચાયત પર કબજો જમાવે છે, તે જોવા સૌની નજર હવે રાજકીય હલચલ પર રહેશે.
