રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ*
*ચોથા સ્તંભ તરીકે એક જવાબદાર પત્રકાર તરીકેની જવાબદારી નિભાવવા અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે*
*કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે – પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા*
દાહોદ તા. ૨૪
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૬ મી એપ્રિલએ યોજાનાર ચૂંટણી વખતે નાગરિકો ૧૦૦% મતદાન કરે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

દાહોદ જિલ્લા સેવા સદન છાપરી ખાતે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
આ દરમ્યાન જિલ્લા કલેકટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ ચોથા સ્તંભ તરીકે એક જવાબદાર પત્રકાર તરીકેની જવાબદારી નિભાવવા અનુરોધ કરતા કહ્યું હતું કે, નાગરિકો લોકશાહી ના આ પર્વને અન્ય તહેવારોની જેમ ઉજવે અને ૧૦૦% મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉજવણી કરે.
વધુમાં તેમણે ચૂંટણીને લગતી માહિતી આપી હતી અને પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય અને લોકો નિર્ભય બનીને મતદાન કરી શકે એ માટે જિલ્લા પોલીસ સજ્જ છે. લોકશાહી એ મોટો પર્વ હોવાથી પત્રકારો ખરાઈ કર્યા વિના, અફવા, અધૂરી વિગત, ખોટી માહિતી ના ફેલાય એ માટેની તકેદારી રાખે એ જરૂરી છે.

આ અવસરે પત્રકારો અને અધિકારીઓએ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, નાયબ માહિતી નિયામકશ્રી રાજકુમાર જેઠવા, ચૂંટણી અધિકારી/કર્મચારીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
