દાહોદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા હોબાળા વચ્ચે પૂર્ણ, 59 એજન્ડા સર્વાનુમતે મંજૂર

Editor Dahod Live
2 Min Read

દાહોદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા હોબાળા વચ્ચે પૂર્ણ, 59 એજન્ડા સર્વાનુમતે મંજૂર

વિપક્ષે દરેક મુદ્દા પર ચર્ચાની માંગ સાથે કર્યો વિરોધ; વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની વર્ણી, ચીફ ઓફિસરનો કોંગ્રેસે કર્યો ઘેરાવ

દાહોદ તા.24

 

દાહોદ નગરપાલિકાની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભા શુક્રવારે ભારે હોબાળા,આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને વિરોધ વચ્ચે યોજાઈ હતી. જેમાં સામાન્ય સભામાં એકથી 59 જેટલા વિવિધ એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સાથે જ નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની તેમજ એપીએમસીમાં નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે સભ્યોની વર્ણી પણ કરવામાં આવી હતી.

બપોરે એક વાગ્યે નગરપાલિકા સભાખંડમાં શરૂ થયેલી બેઠકમાં ભાજપના 20, કોંગ્રેસના 14 તથા બે અપક્ષ સભ્યો સહિત તમામ 36 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમના ગાન સાથે બેઠકની શરૂઆત થઈ હતી. પ્રમુખે એજન્ડાની કાર્યવાહી શરૂ કરતા જ એક પછી એક તમામ 59 મુદ્દાઓ મંજૂર કરવાની જાહેરાત કરી હતી. ભાજપ તથા અપક્ષના સભ્યો સહિત કુલ 22 સભ્યોએ ટેબલ ઠોકી એજન્ડાઓને સમર્થન આપ્યું હતું.જોકે, કોંગ્રેસના સભ્યોએ દરેક એજન્ડા પર અલગથી ચર્ચા કરવાની માંગ સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો. હોબાળા વચ્ચે ભાજપના શહેર પ્રમુખે વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની વર્ણી માટે વ્હિપ જાહેર કરી સમિતિઓના ચેરમેનોના નામોની જાહેરાત કરી હતી.વિરોધ વધુ ઉગ્ર બનતા કોંગ્રેસના સભ્યોએ નગરપાલિકાના ચીફ ઓફિસર દીપસિંહ હઠીલાનો ઘેરાવ કર્યો હતો. કોંગ્રેસના સભ્યો મુખ્ય અધિકારીને પાર્કિંગ સુધી ઘેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે મુખ્ય અધિકારીએ પક્ષ-વિપક્ષથી પર રહી નિષ્પક્ષ રીતે સામાન્ય સભાનું સંચાલન કરવું જોઈએ હતું, પરંતુ કાર્યવાહી યોગ્ય રીતે હાથ ધરાઈ નથી. સામાન્ય સભામાં ચીફ ઓફિસર ભાજપનો ખેસ પહેર્યો હોય તેમ ભાજપના એજન્ટ

બનીને સામાન્ય સભાનું સંચાલન કર્યું હોય તેવા આક્ષેપ કર્યા હતા.જોકે વિરોધ અને હોબાળા વચ્ચે ગણતરીના સેકન્ડોમાં તમામ એજન્ડાઓ મંજૂર થયા તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની વર્ણી પણ પૂર્ણ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તથા સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે આ વખતે દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસ 14 બેઠકો સાથે મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી આવી છે. જેના કારણે નવી ટર્મની પ્રથમ સામાન્ય સભા જ ભારે રાજકીય ગરમાવો, હોબાળો અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે પૂર્ણ થઈ હતી.

Share This Article