કૌટુંબિક ક્લેશથી પરિવારનો માળો વિખેરાયો,માસૂમ બાળકોના જીવનનો અંત.!
દેવગઢ બારીયાના વડભેટ ગામે મહિલાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યુ,3 માસુમ બાળકોના મોતથી અરેરાટી.!
મહિલા તેમજ તેની પુત્રીનો બચાવ, સાનીકોએ તમામને કૂવામાંથી બહાર કાઢ્યા.!
દાહોદ, તા. ૧૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વડભેટ ગામે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં કૌટુંબિક કારણોસર એક મહિલાએ ભારે હૈયે પોતાના 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનામાં ત્રણ બાળકોના મોત નીપજયા છે. જ્યારે મહિલા તેમજ તેની એક પુત્રીનો બચાવ થયો છે. આ ઘટનાથી ગામમાં અરેરાટીની સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે. પોલીસે ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના વડભેટ ગામે ચંપાબેન રાઠવા નામની મહિલાએ ગામના સીમાડે આવેલ કૂવામાં પોતાના ચાર સંતાનો સાથે ઝંપલાવ્યું હતું. ઘટનામાં ત્રણ માસુમ બાળકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે માતા અને એક પુત્રીનો બચાવ કરવામાં આવ્યો છે. જેમાં મૃતકોમાં 12 વર્ષની પુત્રી પ્રિયંકા, 5 વર્ષનો ગિરિરાજ અને 2 વર્ષનો રાજવીરનો સમાવેશ થાય છે. જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને તમામ લોકોને કૂવામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનામાં બચાવ પામેલ માતા ચંપાબેન અને પુત્રી સવિતાને હાલ દેવગઢ બારીયા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પગલું કૌટુંબિક કારણોસર ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.આ ઘટનામાં એક સાથે ત્રણ માસુમ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીનો માહોલ પ્રસરી ગયો છે.
