ગરબાડાના સરપંચે વચન પાળ્યું, પાંચ વર્ષના ‘અધધ’ વેરાના બોજમાંથી જનતાને મળી મુક્તિ.

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના સરપંચે વચન પાળ્યું, પાંચ વર્ષના ‘અધધ’ વેરાના બોજમાંથી જનતાને મળી મુક્તિ.

દાહોદ તા. ૧૪

કહેવાય છે કે ‘રાજનીતિમાં વચનો તો અપાય છે પણ પળાય છે કેટલા?’ તેનો જીવંત દાખલો ગરબાડાના નવા મહિલા સરપંચ ઉર્વીશાબેન પ્રજિતસિંહ રાઠોડે પૂરો પાડ્યો છે. ચૂંટણી સમયે આપેલું વચન માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં પૂરું કરીને તેમણે સાબિત કરી દીધું છે કે જનસેવા જ એમનો પરમ ધર્મ છે.

*ટેક્સના દરમાં 20%નો ધરખમ ઘટાડો*

છેલ્લા પાંચ વર્ષથી ગરબાડાના ગ્રામજનો પર ઘરવેરાનો જે મોટો બોજ લાદવામાં આવ્યો હતો, તેને ઉર્વીશાબેને એક જ ઝાટકે હળવો કરી દીધો છે. નવા નાણાકીય વર્ષ 1/4/2026 થી અમલમાં આવનાર 20% ઘરવેરા ઘટાડાની જાહેરાતથી આખું ગામ હરખાઈ ઉઠ્યું છે. મોંઘવારીના જમાનામાં વેરો ઘટાડીને સરપંચે દરેક ઘરના ખિસ્સાને રાહત આપી છે.

*40 વર્ષના વનવાસનો અંત: પીવાનું પાણી હવે ઘર-ઘર સુધી!*

માત્ર વેરો જ નથી ઘટ્યો, પણ ગરબાડાની ચાર દાયકા જૂની પાણીની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. અંદાજે 40 વર્ષ પછી ગામમાં પીવાના પાણીની નવી પાઈપલાઈન નાખવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જૂની અને જર્જરિત પાઈપલાઈનોને કારણે પડતી હાલાકી હવે ભૂતકાળ બનશે.

*લોકોમાં ખુશીનો માહોલ અને સરપંચના વખાણ*

ગામના ચોરે ને ચૌટે અત્યારે એક જ ચર્ચા છે— “આને કહેવાય સાચા જનપ્રતિનિધિ!” ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે:

“જે કામ દાયકાઓથી નહોતું થયું, તે ઉર્વીશાબેને માત્ર 8 મહિનામાં કરી બતાવ્યું છે. વેરો ઘટાડીને તેમણે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે.”

ગરબાડા પંચાયતના આ આક્રમક અને વિકાસલક્ષી અભિગમે આખા પંથકમાં ચર્ચા જગાવી છે. સરપંચ ઉર્વીશાબેન પ્રજિતસિંહ રાઠોડની આ કાર્યશૈલી અન્ય પંચાયતો માટે પણ એક મિશાલ બની છે!

Share This Article