રાજેશ વસાવે :- દાહોદ
સંતરોડ–ચંચલાવ સેકશનમાં સવારના સુમારે બની ઘટના,અનેક ટ્રેનો અટકાવવામાં આવી.
દાહોદ ગોધરા સેક્શનમાં:ઓએચઈ પોલ ટ્રેક પર ઝુક્યો,વાયર તૂટતાની સાથે ધુમાડો નીકળતા રેલ્વેમાં દોડધામ:અપ લાઇન બંધ
દાહોદ તા.31

પશ્ચિમ રેલવેના રતલામ મંડળ અંતર્ગત ગોધરા–રતલામ સેકશનમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત ટળી ગયો. સંતરોડ–ચંચલાવ સેકશન વચ્ચે ઓએચઈ (ઓવરહેડ ઇલેક્ટ્રિક) પોલ ક્ષતિગ્રસ્ત થઈને ટ્રેક તરફ ઝુકી ગયો અને તેમાંમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.જોકે આ દરમિયાન કોઈ ટ્રેન પસાર થઈ હોત તો ગંભીર અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા હતી.આ ઘટના સવારે અંદાજે 6:50 વાગ્યે કિ.મી. નં. 485/19 અપ લાઇન પર બની હતી. ડાઉન દિશામાં આવતી ટ્રેન નં. 04726 ના ટ્રેન મેનેજર દ્વારા કન્ટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી હતી.

માહિતી મળતા જ રેલવે તંત્ર સતર્ક બન્યું અને મામલો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડાયો હતો જે બાદ આ ઘટનાના કારણે અપ લાઇન પર રેલવે ટ્રાફિક સંપૂર્ણપણે અસરગ્રસ્ત બન્યો હતો. અનેક પેસેન્જર અને માલગાડીઓને મધ્યવર્તી સ્ટેશનો પર રોકવી પડી. ટ્રેન નં. 06282 ને સંતરોડ સ્ટેશન પર રોકવામાં આવી, જ્યારે 12926 અને 69120 ને અન્ય સ્ટેશનો પર રોકવામાં આવી. માલગાડીઓને જેકોટે સ્ટેશન પર અટકાવવામાં આવી.માહિતી મળતા જ ટી.આર.ડી. (ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન) વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરી. રેલવેના પીઆરઓ મુકેશ કુમાર પાંડે મુજબ, ઓએચઈ પોલ ઝુકવાના કારણે સુરક્ષાના હેતુસર અપ લાઇન બંધ રાખવામાં આવી છે, જ્યારે ડાઉન લાઇન પર ટ્રેનોનું સંચાલન યથાવત રાખવામાં આવ્યું છે.
