રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના રાબડાલ હાઈવે પર મોટી દુર્ઘટના ટળી, ટ્રક ચાલકની બહાદુરીથી એસટી બસના મુસાફરોનો બચાવ
મોરબીથી કોટા જતી ટાઇલ્સ ભરેલી ટ્રક ખાડામાં ખાબકી; ડ્રાઈવરે જીવ જોખમમાં મૂકી અકસ્માત ટાળ્યો, ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ
દાહોદ તા.27
દાહોદ જિલ્લાના રાબડાલ નજીક નેશનલ હાઈવે પર આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. જેમાં ટ્રક ચાલકની સમયસૂચકતા અને બહાદુરીના કારણે એસટી બસમાં મુસાફરી કરતા અનેક લોકોનો આબાદ બચાવ થયો છે.જ્યારે ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને ઓછીવત્તી ઇજાઓ થતા દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યું છે.

દાહોદના રાબડાલ નજીક ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર મોરબીથી કોટા જતી ટાઇલ્સ ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રાથમિક માહિતી મુજબ, સામે આવી રહેલી એસટી બસને બચાવવા જતા ટ્રક ચાલકે ગાડી પરનો કાબૂ ગુમાવ્યો અને અકસ્માત ટાળવા માટે ટ્રકને માર્ગની બાજુના ખાડામાં ઉતારી દીધી હતી. આ ઘટનામાં ટ્રક ખાડામાં ખાબકતા ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ તેની સમયસૂચકતા અને હિંમતના કારણે એસટી બસમાં મુસાફરી કરતા લોકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ટ્રક ચાલકે પોતાનો જીવ જોખમમાં મૂકી મોટી દુર્ઘટના ટાળી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે.ટ્રક ચાલકની બહાદુરીને લઈ સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે. સમયસર લેવાયેલા નિર્ણયના કારણે મોટી જાનહાની ટળી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
