દાહોદ પંચમહાલ અને મહીસાગર જીલ્લા ના ભીલ સમાજ માં વર્ષ ૨૦૨૬ માટે ૩૪ મુદ્દા નું લગ્ન બંધારણ લાગુ કરવા આહ્વાન કરવામાં આવ્યું.*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ પંચમહાલ અને મહીસાગર જીલ્લા ના ભીલ સમાજ માં વર્ષ ૨૦૨૬ માટે ૩૪ મુદ્દા નું લગ્ન બંધારણ લાગુ કરવા આહ્વાન કરવામાં આવ્યું.*

દાહોદ તા. ૨૫

આજે તા. ૨૫.૨.૨૦૨૬ ના રોજ બુધવારે દાહોદ ખાતે ભીલ સમાજ ના લગ્નો માં થતા ખોટા-મોટા ખર્ચાઓ ને રોકવા તથા દહેજ, દારુ, ડીજે ને દૂર કરવા માટે ના અભિયાન અંતર્ગત દાહોદ તાલુકા ભીલ સમાજ પંચ ની સંકલન સમિતિ દ્વારા દાહોદ તાલુકા ના ભીલ સમાજ ના આગેવાનો એ વર્ષ ૨૦૨૬ માટે સમાજ ના લગ્ન બંધારણ નો કડક રીતે અમલ કરવા માટે સૌ સમાજજનો ને આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દાહોદ ના માનનીય ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી એ દિકરીઓ ને સુખી કરીને સમાજ ને આગળ લાવવા માટે ત્રણેય જીલ્લાના ભીલ સમાજ પંચ દ્વારા ઘડવામાં આવેલા ૩૪ મુદ્દા ના લગ્ન બંધારણ નો ફરજીયાત અમલ કરવા જણાવ્યું હતું. જે લોકો આ લગ્ન બંધારણ નું ઉલ્લંઘન કરશે તેમની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા ની પણ ચીમકી ઉચ્ચારી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દાહોદ તાલુકાના તમામ ગામોના સરપંચશ્રીઓ તથા પટેલોને પોતપોતાના ગામોમાં આ લગ્ન બંધારણ નો કડકાઈ થી અમલ કરવા જણાવ્યું હતું. 

ભીલ સમાજ ના લગ્ન બંધારણનો અમલ કરવા માટે ની આ મિટિંગમાં દાહોદ તાલુકા ના ૮૯ ગામોના સરપંચશ્રીઓ, પટેલો, કોટવાળો, પૂજારાઓ, સંતો ગામોના અન્ય આગેવાનો, તાલુકા /જીલ્લા પંચાયત ના સભ્યો, તમામ રાજકીય પાર્ટીઓ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ કોંગ્રેસ ના વિધાનસભા બેઠક ના હરિફ ઉમેદવાર  હર્ષદભાઈ નિનામા એ ભીલ સમાજ પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા લગ્ન બંધારણ નો અમલ કરવા માટે સૌને વિનંતી કરી હતી, આમ આદમી પાર્ટી ના રમેશભાઈ મેડા, બાપ પાર્ટી ના દિલીપભાઈ કતિજા સહિત અનેક આગેવાનો એ હાજરી આપી હતી અને લગ્ન બંધારણ નો અમલ કરવા માટે જવાબદારી સ્વિકારી હતી.

આ મિટિંગ માં જીલ્લા વહીવટી તંત્ર ની મદદ લઈને ભીલ સમાજ ના લગ્ન બંધારણ નો અમલ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ ના ડીવાયએસપી  ભંડારી, પોલીસ ઈન્સ્પેક્ટર સંજય ગામેતી, બાળ સુરક્ષા અધિકારી  શાન્તિલાલ તાવિયાડ, દહેજ પ્રતિબંધક અધિકારી પંકજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને દહેજ દારુ ડીજે સબંધી કાયદાકીય જોગવાઈઓ સમજાવીને જો ભંગ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ડીવાયએસપી શ્રી,ભંડારી સાહેબે કહ્યું હતું કે સમાજે સરસ લગ્ન બંધારણ બનાવ્યું છે.

દારૂનો ઉપયોગ તથા ડીજે વગાડવું ગેરકાયદેસર છે, ડીજે ના લીધે પોકસોના કેસો બનવાથી નવયુવાનોને લાંબી સજા થવાથી જેલમાં જવું પડે છે તેમ જણાવી જો ડીજે પકડાશે તો કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભીલ સમાજ પોતાનું લગ્ન બંધારણ બનાવીને તેનો ચૂસ્ત અમલ કરીને સામાજિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે તે બાબત ની સૌએ ખાસ નોંધ લીધી હતી.

આયોજક સંકલન સમિતિ ભીલ સમાજ પંચ દાહોદ દાહોદ-પંચમહાલ-મહીસાગર

Share This Article