
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસરમાં માખી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાનો ભય*
*સુખસરમાં અનેક જગ્યાઓ ઉપર પાણીના ખાબોચિયા તથા ગંદકી કરતા સ્થાનિકોના લીધે માખી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે*
સુખસર,તા.29
ફતેપુરા તાલુકાના સુખસરમાં વરસાદી માહોલમાં માખી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.ત્યારે રોગચાળો ફાટી નીકળવાની પુરેપુરી સંભાવના હોવાના સંકેતો જોવા મળે છે.ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપી માખી મચ્છરોના વધતા ઉત્પદ્રવ ઉપર કાબુ મેળવવા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સુખસરના સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં ચોમાસાની શરૂઆત થતાં માખી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. સુખસરમાં અનેક જગ્યાઓ ઉપર પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા તેમજ સ્થાનિક લોકો માટે ગ્રામ પંચાયત દ્વારા કચરાના નિકાલ માટે ગાડી મૂકવામાં આવેલ હોવા છતાં કચરો ગાડીમાં નહીં આપતા પોતાના રહેણાંક મકાનોની આસપાસમાં ઠાલવવામાં આવી રહ્યો છે. અને તેવા લોકો રોગ શાળાને આમંત્રણ આપવા મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.જેના લીધે માખી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવા છતાં લાગતા-વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.અને આવનાર સમયમાં અનેક લોકો જંતુ જન્ય રોગચાળાનો શિકાર બને તેમ છે.જોકે ચોમાસાના સમય દરમ્યાન વીજ પ્રવાહ ક્યારે ચાલી જાય તેનું કાંઈ નક્કી હોતું નથી.અને જો ખાસ કરીને રાત્રિના સમયે વીજ પ્રવાહ બંધ થઈ જાય તેવા સમયે મચ્છરો કરડવાથી લોકોને રોગચાળો ભરડામાં લે તેવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે.ત્યારે પાણીના ભરાઈ રહેતા ખાબોચિયા પુરાણ કરવામાં આવે તથા ગામમાં ભરાઈ રહેતા પાણીનો આસાનીથી નિકાલ થાય તે પ્રત્યે ધ્યાન આપવાની ખાસ જરૂરત જણાઈ રહી છે.અને તે સાથે આસપાસમાં વસવાટ કરતા સ્થાનિક લોકો દ્વારા બેદરકારી રાખી જે કચરો જ્યાં ને ત્યાં ઠાલવવામાં આવી રહ્યો છે તેના પ્રત્યે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે અને કસૂરવાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી જણાઈ રહ્યું છે.