
રાજેશ વસાવે :- દાહોદ
*ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યથી ભરપુર એવો આપણો દાહોદ જિલ્લો*
*રતનમહાલ રીંછ અભયારણ્ય પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસિકોને ટ્રેકિંગ, ધોધ અને ઓછા ચંદ્રપ્રકાશમાં આકાશ દર્શન જેવી પ્રવૃત્તિઓ આકર્ષે છે.*
*સૂર્યદેવ જ્યાં ગુજરાત રાજ્યમાં પોતાના પ્રથમ કિરણો રેલાવે છે એવા દાહોદને કુદરતે જાણે લીલી જાજમ પાથરી સજાવી દીધું*
*વાદળી આખલો, જંગલી ડુક્કર, સાકુરાળ, હાઈના, જંગલ બિલાડી, સીવીટ અને કારાકલ તેમજ અન્ય સરીસૃપ અને પક્ષીઓનું રહેઠાણ એટલે રતનમહાલ*
*પ્રવાસીઓને પ્રકૃતિ સાથે જોડાવાની અને આદિવાસી સંસ્કૃતિને સમજવાની તક આપતું રતનમહાલ*
*તો ચાલો મિત્રો, દાહોદની ઓળખ સમા વન ભોજન એવા દાલ પાનિયાનો પણ લ્હાવો માણવા ને પ્રકૃતિમાં વિચરવા*
*આલેખન-રાજ જેઠવા,નાયબ માહિતી નિયામક, જિલ્લા માહિતી કચેરી, દાહોદ*
દાહોદ તા. ૭
સૂર્યદેવ જ્યાં ગુજરાત રાજ્યમાં પોતાના પ્રથમ કિરણો રેલાવે છે એવા દાહોદને કુદરતે જાણે લીલી જાજમ પાથરી સજાવી દીધું છે. ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યથી ભરપુર એવો આપણો દાહોદ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એમાય ખાસ કરીને પર્યટકોની પ્રાથમિકતા રતનમહાલની રહી છે. હા, અહી આપણે રતનમહાલ રીંછ અભયારણ્ય વિષે વાત કરવાના છીએ. રતનમહાલ અભયારણ્યનું વર્ણન કરવા શબ્દો જ ઓછા પડે, નિરવ શાંતિ વચ્ચે વિવિધ પંખીઓના કલરવ અને ટોચથી પડતા ધોધમાંથી વહેતા ઝરણાંના પાણીનો ખળખળ અવાજ આપણને પોતાની તરફ આપમેળે ખેંચી જાય છે.
ગુજરાતની પ્રાકૃતિક વિરાસતનું રત્ન એવું રતનમહાલ રીંછ અભયારણ્ય ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલું એક અનોખું પ્રાકૃતિક સ્થળ છે, જે પોતાની અદભૂત જૈવવિવિધતા અને નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતું છે. ચારેકોર વનરાજીની સુંદરતા મનને મોહી લે તેવી હોય છે. મનને ભેદી નાખે તેવી શાંતિ વચ્ચે અનેકવિધ પંખીઓનો કલશોર આપણા મનને પ્રફુલ્લિત કરી નાખે છે.
રતનમહાલ અભયારણ્ય પોતાની સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે જાણીતું છે. આ અભયારણ્યમાં આળસુ રીંછ ઉપરાંત અન્ય ઘણાં વન્યજીવો જોવા મળે છે, જેમાં વાદળી આખલો, દીપડો, જંગલી ડુક્કર, સાકુરાળ, હાઈના, જંગલી બિલાડી, સીવીટ, શિયાળ, સસલાં, નોળિયા, શાહુડી અને કારાકલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અહીં વિવિધ પ્રકારના સરિસૃપ જેવા કે સાપ અને ગરોળીઓ તેમજ પક્ષીઓની દુર્લભ પ્રજાતિઓ પણ જોવા મળે છે.
આ અભયારણ્યમાં ૪૦૬ થી વધુ છોડની પ્રજાતિઓ નોંધાઈ છે, જે તેની વનસ્પતિ સમૃદ્ધિનો પુરાવો છે. અહીં સાગ, સીસમ, મહુડો, ગરમાળો, બીલી, શીમળો તથા અનેક વન્ય વનસ્પતિઓની પ્રજાતિઓ તેમજ ભાતભાતનાં રંગ-બેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે. જેમાં ઊડતી ખીસકોલી, લક્કડખોદ, ભીમરાજ, તેતર, ઘુવડ, હરિયાલ, બાજ, સમડી અને બીજાં ઘણાં પક્ષીઓ જોવા મળે છે
આ અભયારણ્ય ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે, વિંધ્યાચલ, અરાવલી અને સાતપુડા પર્વતમાળાઓના ત્રિભેટે આવેલ દાહોદ જિલ્લામાં આવેલું છે. લગભગ ૫૫ (પંચાવન) ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય ખાસ કરીને આળસુ રીંછ (Sloth Bear) ના સંરક્ષણ માટે પ્રખ્યાત છે, જેના કારણે તેનું નામ “રતનમહાલ રીંછ અભયારણ્ય” પડ્યું છે. અહી વિવિધ પ્રકારના વૃક્ષો, જીવજંતુઓ અને પક્ષીઓના અવાજ આપણને સુમસામ જંગલમાં પણ રોમાંચનો અનુભવ કરાવે છે.
રતનમહાલ રીંછ અભયારણ્ય પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસિકો માટે એક આદર્શ સ્થળ છે. અહીં ટ્રેકિંગ, ધોધની મુલાકાત, અને ઓછા ચંદ્રપ્રકાશમાં આકાશ દર્શન જેવી પ્રવૃત્તિઓ ખૂબ લોકપ્રિય છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં ધોધનું નૈસર્ગિક સૌંદર્ય અને આસપાસ ઉડતા આગિયાનું દૃશ્ય એક અવિસ્મરણીય અનુભવ આપે છે. એ સાથે સ્થાનિક આદિવાસી ગામોની મુલાકાત લઈને પ્રવાસીઓ તેમની સંસ્કૃતિ અને જીવનશૈલીને પણ નજીકથી જાણી શકે છે.
રતનમહાલ અભયારણ્ય પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્ય અને વન્યજીવનનો અનોખો અનુભવ પ્રદાન કરે છે. ચોમાસામાં અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને અભયારણ્યમાં આવેલા ધોધ પ્રવાસીઓને આકર્ષે છે. રતનમહાલ રીંછ અભયારણ્ય પર્યાવરણ સંરક્ષણ અને જૈવવિવિધતા જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે. તે આદિવાસી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં પર્યાવરણ જાગૃતિ અને ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપે છે. અહીં રાત્રી રોકાણ તેમજ દાહોદની ઓળખ સમા દેશી વન ભોજન એવા દાલ પાનિયાનો પણ લ્હાવો માણવા જેવો છે. જેનો સ્વાદ એકવાર દાઢે વળગે તો રતનમહાલ તરફ જવા માટે આપણને લલચાવે છે.
રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદ જિલ્લાના રતનપુર નજીક આવેલું છે. રતનમહાલ રીંછ અભયારણ્ય પહોંચવા માટે વિમાન દ્વારા સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા છે, જે આશરે ૧૬૦ કિલોમીટર દૂર છે. ટ્રેન દ્વારા સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન દાહોદ છે, જે આશરે ૫૫ કિલોમીટર દૂર છે. માર્ગ દ્વારા દાહોદ બસ સ્ટેશનથી ૫૫ કિલોમીટર અને ગોધરાથી આશરે ૪૦ કિલોમીટર દૂર આવેલું છે. કંજેટા ગામ પાસેથી અભયારણ્ય શરૂ થાય છે અને ત્યાંથી ૯ કિલોમીટર અંદર ડુંગરની ટોચ પર પહોંચવા માટે જીપ ભાડે કરી શકાય છે.
આ અભયારણ્ય સમુદ્ર સપાટીથી ૨૩૦ થી ૬૭૫ મીટરની ઊંચાઈએ આવેલું છે અને વાર્ષિક ૧૦૦૦ મિલીમીટર સુધીનો વરસાદ અહીં નોંધાય છે. આ વિસ્તારની પૂર્વીય ટેકરીઓમાં વિશાળ જળસંસાધનો હોવાથી ત્યાં બારેમાસ લીલોતરી રહે છે, જે તેને એક આકર્ષક ગ્રીનસ્કેપ બનાવે છે. રતનમહાલ એ પ્રકૃતિ અને વન્યજીવનના અભ્યાસ અને સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે. રતનમહાલની નિરવ શાંતિ થોડો ડર, થોડો રોમાંચ, થોડી ઉત્સુકતા ને અદ્ભુત અનુભવ સાથે રતનમહાલની આ સફર યાદગાર બની રહે તેવી છે. તો ચાલો, વિચારવું શું? પ્રસ્થાન કરીએ @દાહોદ@કંજેટા@રતનમહાલ@કુદરતને ખોળે રમવાનો આનંદ લેવાને..!
૦૦૦