
*આલેખન-કાકુલ ઢાકિઆ*
*શિક્ષક કભી સાધારણ નહી હોતા..!*
*પ્રાપ્તિ એકેડમી, દાહોદ એટલે એક શિક્ષકની તપનું પરિણામ*
*વર્ષ ૨૦૧૭ થી શરૂ થયેલ આ એકેડમીમાંથી અત્યાર સુધીમાં ૯૪ વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવવામાં સફળતા મેળવી*
*સેવાભાવથી ઊંચો અન્ય કોઈ ભાવ નથી-શિક્ષકશ્રી પ્રમોદ કાટકર*
દાહોદ તા. ૩
દાહોદ જિલ્લો ગુજરાત રાજ્યની પૂર્વ સરહદે આવેલ અને આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. અહીના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે દાહોદમાંથી બહાર કેટ-કેટલીયે ફી આપીને જતા હોય છે. ઘણીવાર આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો પણ તેઓના માતા-પિતા પોતાની જમીન-દાગીના વેચીને પોતાના બાળકોના ભવિષ્ય માટે સંઘર્ષ કરતા હોય છે.
આજે એક એવા શિક્ષકની મુલાકાત લીધી કે, જે દાહોદ તાલુકામાં આવેલ નવાગામના મૂળ વતની અને હાલ દાહોદ રહે છે. નામ છે પ્રમોદકુમાર અંબાલાલ કાટકર. મંડાવાવ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે, તેમણે વર્ષ ૨૦૧૭ થી દાહોદના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા બધુયે દાવ પર લગાવી દીધું છે.
હા, અહીં વાત કરીએ છીએ એક એવા સરકારી શિક્ષકની કે જે પોતાના પરિવાર સાથે પતરાના છત વડે બનાવેલ એક નાનકડી ઓરડીમાં રહે છે. પોતાના ઘરને જ સ્માર્ટ ક્લાસમાં પરિવર્તિત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાના વિનામૂલ્યે વર્ગ ચલાવવાનું ભગીરથ સેવા કાર્ય કરીને અન્યો માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.
સેવા પરમો ધર્મને વરેલા આ સેવાભાવી શિક્ષક દાહોદ જિલ્લાના ભવિષ્યને કંડારવાનું પવિત્ર કાર્ય કરી રહ્યા છે. શિક્ષકશ્રી પ્રમોદ કાટકર દ્વારા શરૂ કરવામાં આવેલ આ શિક્ષણ સેવા યજ્ઞ થકી અત્યાર સુધીમાં ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો છે જેમાંથી ૯૪ વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવામાં સફળતા મેળવીને STI, DYSO, પોલીસ તેમજ શિક્ષક બનીને ફરજ બજાવી રહ્યા છે.
આ એકેડમીમાં હાલ ૪૦ જેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. જેમાં ૧૮ જેટલી તો છોકરીઓ છે. હાલના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની કિંમત હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસની ફી હોય જે મધ્યમ અને ગરીબ વર્ગના ઉમેદવારોને પોસાય એમ નથી, જેમાં આ એકેડમી આવા વિદ્યાર્થીઓ માટે એક નવી આશાનું કિરણ બની છે.
સ્વખર્ચે ઉભી કરેલી આ એકેડમી માટે તેમણે પોતાના જ ઘરને એ રીતે ડીઝાઇન કર્યું છે કે, વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ કે પરિવારને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડતી નથી. અહીં વિદ્યાર્થીઓ આરામથી વર્ગમાં બેસી શકે તેવા હોલની વ્યવસ્થા સાથે સ્માર્ટ કલાસ, લાઈટ, પંખા, એસી, સીસીટીવી, શૌચાલય તેમજ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
તેઓ કહે છે કે, મારા તરફથી પુરતો પ્રયાસ કરું છું કે, વિદ્યાર્થીઓને વર્ગમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં. મારા પત્ની પણ મને પૂરો સહયોગ આપે છે. જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય તો વહેલું-મોડું થાય તો અને જ્યારે હું શાળાએ હોઉં અને મારી ગેરહાજરીમાં પણ તે વિદ્યાર્થીઓને ચા-નાસ્તો કે જમવાનું બનાવીને વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે છે. તેમને બેંકમાંથી લોન લઈને આ ક્લાસ શરુ કર્યા હતા. હા, તેઓ આજે પણ એના હપ્તા ભરે જ છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થિત વર્ગ બની ગયાનો સંતોષ તેમના ચહેરા પર જણાતો હતો.
તેઓ વધુમાં જણાવે છે કે, મારા દાદા જે-તે સમયે તલાટી હતા. તેમણે અમને સેવાકાર્ય કરવા માટેનો રાહ ચીંધ્યો હતો. હું જ્યારે પીટીસી કરતો હતો ત્યારે મને ભણવાનું જરાય નહોતું ગમતું. પરંતુ દાદાએ એમની અગાઉની પરિસ્થિતિથી વાકેફ કરીને જીવનમાં આગળ વધવા માટે અભ્યાસ કેમ જરૂરી છે એ વાત ઉદાહરણ આપી જણાવી હતી. જેથી ત્યારથી મેં ભણવામાં ધ્યાન આપ્યું અને પીટીસીમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો.
વર્ષ ૨૦૧૦ થી શિક્ષક તરીકેનું સેવાકાર્ય શરુ થયું હતું. સતત ૧૫ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવનાર પ્રમોદ કાટકરએ દાહોદમાં શિક્ષક તરીકે તેમજ સીઆરસી તરીકે પણ સેવા આપી છે. તેઓ કહે છે કે, મારો પરિવાર મારું પીઠબળ છે અને મારા મિત્રોએ પણ મને ઘણી મદદ કરી છે. આવતી આવકમાંથી મોટાભાગનો હિસ્સો એકેડમીના નામ પર કરી દઉ છું.
શિક્ષકશ્રી પ્રમોદ કાટકરએ શરૂઆતમાં ૩ વર્ષ સુધી ભાડાના મકાનમાં વર્ગ ચલાવ્યા હતા. આ ૩ વર્ષ દરમ્યાન એમના ૨૧ વિદ્યાર્થીઓ પોલીસની નોકરી મેળવવામાં સફળ થતાં તેમણે વિદ્યાર્થીઓ માટે કઈ વધુ કરવાનું વિચાર્યું, જેના કારણે પ્રાપ્તિ એકેડમીની શરૂઆત થઇ. સેવાભાવથી ઊંચો અન્ય કોઈ ભાવ નથી એમાં જ હું માનું છું અને શિક્ષણ સેવાની આ પરબ અવિરત વહેતી રહે એવી મારી મહેચ્છા છે.
દાહોદના યુવાનો આવનાર સમયમાં વિવિધ ક્ષેત્રોમાં સફળ કારકિર્દી બનાવે, આર્થિક રીતે સક્ષમ બને તેમજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, શારીરિક અને રાજનૈતિક બાબતમાં જાગૃત થઇ પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે તે માટે શિક્ષકશ્રી પ્રમોદ કાટકરએ પ્રાપ્તિ એકેડમી જરુરતમંદ વિદ્યાર્થીઓને સમર્પિત કરી છે. આવનાર સમયમાં પોતાના ગામમાં તેઓ લાયબ્રેરી શરુ કરવા જઈ રહ્યા છે.
તેઓ જણાવે છે કે, વર્ગના વિદ્યાર્થીઓ એકેડમીને સ્વૈચ્છિક રીતે પોતાના તરફથી પણ મદદ કરે છે જે થકી મને સપોર્ટ મળી રહે છે. એમના પત્ની સીવણ કામ કરીને મદદરૂપ થાય છે. મોટી દીકરી કે જે ધોરણ ૯ માં ગર્લ્સ સ્કુલમાં અભ્યાસ કરે છે તે જણાવે છે કે, હું ઘરેથી ચાલતા જ જઈને શાળાએ જાઉં છું જેથી મને પણ અનુભવ થાય કે મારા પપ્પા-મમ્મી કઈ રીતે ભણ્યા હશે. કેવી તકલીફ થઇ હશે.
અમારી જમીન, ખેતીવાડી, ગાય-ભેંસ અને ઘેંટા પણ હતા પરંતુ દાદાના અવસાન પછી બધું મુકીને અમે એકેડમી પાછળ વધારે ધ્યાન આપીએ છીએ. જમીનો વેચીને બાળકોને ભણાવ્યા હતા. અમારી પરિસ્થિતિ ઘણી જ ખરાબ હતી એમ કહેતા એમના માતૃશ્રીએ સંસ્મરણોને વાગોળ્યા હતા.
“પ્રાપ્તિ એકેડમી”નો સમય સવારે ૮ વાગ્યાથી લઈને ૦૯:૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેથી કરીને તેઓ એકેડમી તેમજ શાળા બન્ને જગ્યાએ પોતાની ફરજ નિભાવી શકે. જે કોઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય અથવા તો પુસ્તક કે માર્ગદર્શનની જરૂર હોય તો તેઓના માટે આ એકેડમી હંમેશા ખુલ્લી છે. કહેવાય છે ને કે, હજારોમાં એક આવા વિરલા હોય છે, એ વિરલાઓમાંના એક એટલે આપણા પ્રમોદભાઈ.
સલામ છે આવા સેવાધારી નિ:સ્વાર્થ શિક્ષકને…!
૦૦૦