
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું: આકાશી વીજળી પડતા 3નાં મોત, બે ઘાયલ..
સંખ્યાબંધ ઝાડ-વીજપોલ ધરાશાયી,અંડરપાસમાં પાણી ભરાયા,
વાવાઝોડામાં પતરાના શેડ તૂટીને પડતા બેનો ચમત્કારિક બચાવ:શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ,
વૃક્ષો નીચે વાહનો દબાયા, ત્રણ મુંગા પશુઓના વીજળી પડવાથી મોત..
દાહોદ તા.14
દાહોદ શહેર સહીત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આજે ઢળતી સાંજે ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.જેમાં ઠેકઠેકાણે વીજપોલ તેમજ વૃક્ષ ધરાશાયી થતા વિવિધ માર્ગો અવરોધિત થયા હતા.ઉપરાંત સંખ્યાબંધ વીજપોલ પડી જતા અડધા શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.આ સાથે આફતરૂપી આકાશી વીજળી પડવાથી 3 ના મોત થયા છે.જયારે બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ડિઝાસ્ટર અને કંટ્રોલ રૂમને કાર્યરત કરવામાં આવ્યું હતું આ સાથે ફાયર બ્રિગેડ દ્વારા માર્ગ ઉપર પડેલા વૃક્ષોને ટ્રીમિંગ કરી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ વીજ કંપની દ્વારા સમારકામ હાથ ધરી વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરીમાં જોડાયા હતા.
દાહોદ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે ગરમી અને બફારાના લીધે પંથકવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે આજે દિવસ દરમિયા તપામાનનો પારો 42 પર પહોંચ્યો હતો.સાથે જ હ્યુમિનિટી 54 ટકાની સાથે પવન ઝડપ માત્ર 5 કિલોમીટર પ્રતિ કલાકની હોવાથી આજે દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો કંટાળી ગયા હતા.દરમિયાન સાંજ પડતા પડતા વાતાવરણમા એકએક પલટો આવ્યો હતો.અને ભારે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડા અને ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા હતા.લગભગ એક કલાકથી વધુ સમય સુધી ભારે પાડેલા વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.શહેરના ભરપોડા સર્કલ તેમજ ગોદીરોડ અંડરપાસ પર પાણી ભરાતા માર્ગ અવરોધિત થયા હતા.સાથે અસંખ્ય વૃક્ષો અને વીજપોલ પડી જતા અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી.દાહોદ શહેર સિવાય ઝાલોદ,ફતેપુરા અને લીમખેડાને બાદ કરતા તમામ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો.તો બીજી તરફ ભારે વરસાદથી ખાયા બોરવાનીથી દાહોદને જોડતો માર્ગ ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો હતો. તો ભારે પવન સાથે પડેલા વરસાદ બાદ ફાયર બ્રિગેડ દ્રારા રસ્તા પર પાડેલા વૃક્ષો હટાવવાની કામગીરી યુદ્ધ ના ધોરણે કરવામાં આવી હતી.સાથે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વિજલાઈન પર પાડેલા વૃક્ષો હટાવી વીજ લાઈનોના સમારકા હાથ ધરવામાં આવ્યું હતું. આફતરૂપી વરસાદ અને વાવાઝોડાના પગલે ડિઝાસ્ટર અને કંટ્રોલરૂમ એક્ટિવ કરવામાં આવ્યા હતા.
*ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડામાં પતરાના શેડ ઉડ્યા:બેનો ચમત્કારીક બચાવ*
દાહોદ શહેરમાં આજે ભારે પવન સાથે પડેલા વરસાદે તારાજી સર્જી છે. જેમાં પ્રચંડ વાવાઝોડામાં શહેરના મેમુન નગર વિસ્તારમાં કોઈક અજાણી બિલ્ડીંગ ઉપરથી 30× 30 લાબું પતરાનો લોખંડનો શેડ ઉડીને વાહનો ઉપર પડ્યો હતો.તે સમયે વાહનમાં બેસેલા બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા.દરમિયાન આસપાસના સ્થાનિકોએ બન્નેને હેમખેમ બહાર કાઢ્યો હતા.આ ઉપરાંત ઝાલોદ રોડ પર ટ્રાન્સફરી હોલ સામે ખુલ્લી જગ્યામાં બાંધેલા પતરાનો શેડ લોખંડની વજનદાર ગડર સાથે તુટીને 200 મીટર સુધી હવામાં ફંગોળાયા હતા.તે સિવાય શહેરના અન્ય વિવિધ વિસ્તારોમાં જાહેરાત માટેના હોર્ડિંગ્સ પણ વાવાઝોડામાં ઉડીને પડ્યા હતા.
*પંથકમાં આકાશી વીજળી પડવતા ત્રણના મોત બે ઘાયલ.*
ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પાડેલા વરસાદમાં માનવ મૃત્યુ પણ થયા છે.જેમાં શહેરના મુવાલીયા કોટલા ફળિયામાં આકાશી વીજળીએ બે લોકોનો ભોગ લીધો છે.જેમાં 30 વર્ષીય સંજય નાનજી મડોડિયા તેમજ 5 વર્ષીય આયુષ સંજય ભુરીયાનું મોત થયું છે.આ ઉપરાંત ધાનપુરના મંડોર ગામમાં એક ઘર ઉપર વીજળી પડતા ઘરમાં બેસેલા દંપતી દિનેશભાઇ હઠીલા તેમજ સુમાબેન હઠીલા ઈજાગ્રસ્ત થયા હતા.તે બંનેને સારવાર માટે લઈને જતા રસ્તામાં દિનેશભાઈનું મોત નીપજ્યું છે આ ઉપરાંત ધાનપુરના ધનારપાટિયામાં પણ વીજળી પડતા 15 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત થઈ છે.
*22 હજારની વસ્તી ધરાવતો ગોદીરોડ વિસ્તારનો થોડાક સમય માટે સંપર્ક તૂટ્યો.*
ભારે પવન સાથે ફૂંકાયેલા વરસાદમાં ગોદીરોડ કાવસજી બંગલા પાસે વિશાલ ઝાડ રસ્તા પર પડતા રસ્તો બંધ થયો હતો.બીજી તરફ ભારે વરસાદથી ગોદીરોડને જોડતા ચાકલીયા રેલ્વે અંડર પાસમાં પાણી ભરાઈ જતા માર્ગ અવરોધિત થયો હતો. કેટલાક વાહનો પણ અંડર પાસમાં ફસાઈ ગયા હતા. દરમિયાન સ્થાનિક કોર્પોરેટર તેમજ આસપાસના લોકોએ કટર વડે વૃક્ષને કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો. તો અંડર બ્રિજમાં વાહનો અટવાતા સ્થાનિકોએ વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો.
*શહેરમાં વીજળી ડુલ થતા અડધા શહેરમાં અંધારપટ છવાયું*
વાવાઝોડા અને ભારે વરસાદથી શહેરના વિવિધ વિસ્તારોમાં અસંખ્ય વૃક્ષો તેમજ વીજ પોલ પડી જતા મોટાભાગના વિસ્તારોમાં વીજ સપ્લાય બંધ થયો હતો. એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી પરંતુ. કલાકો વીત્યા બાદ પણ અડધા શહેરમાં વીજ સપ્લાય શરૂ ન થતા અંધારપટની પરિસ્તિથી સર્જાઈ હતી.
*ઝાડ પડતા શાળાની કમ્પાઉન્ડ વોલ તેમજ વન વિભાગ કેમ્પસનો ગેટ તૂટ્યો*
ભારે પવનમાં વૃક્ષો પડી જતા શહેરની નામાંકિત લીટલ ફ્લાવર્સ શાળાની કમ્પાઉન્ડ વોલ ધરાસાઈ થઈ હતી.આ સિવાય વન વિભાગની રેન્જ ફોરેસ્ટ ઓફિસ આગળ વૃક્ષ પડી જતા ફોરેસ્ટ ઓફિસના આવાસનો મેઈન ગેટ ઉપર અને રસ્તા ઉપર ઝાડ પડી જતા ગેટ તૂટી ગયો હતો તેમજ માર્ગ અવરોધીત થયો હતો