
લીમખેડામાં આરોગ્ય વિભાગે ભેળસેળયુક્ત આઈસ્ક્રીમ-પાણીપુરીનો જથ્થો કર્યો જપ્ત,વેપારીઓને સખત તાકીદ કરાઈ..
દાહોદ તા.15
લીમખેડા તાલુકામાં આરોગ્ય વિભાગે ખાદ્યપદાર્થોના વેચાણકર્તાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સી.એમ. મછારની આગેવાનીમાં ટીમે દુકાનોની તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનો મોટો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો.
તપાસમા ચોકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વેપારીઓ બિનઆરોગ્યપ્રદ આઈસ્ક્રીમનું વેચાણ કરતા હતા. સડેલા બટાકામાંથી પાણીપુરી બનાવતા હતા. સડેલી કેરીઓમાંથી જ્યુસ તૈયાર કરતા હતા. રસાયણયુક્ત ચાસણીનો ઉપયોગ કરતા હતા. દુકાનોમાં સ્વચ્છતાનો ગંભીર અભાવ જોવા મળ્યો હતો. ડૉ. મછારે સ્પષ્ટ ચેતવણી આપી છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈને છૂટ નહીં મળે. ઉનાળા દરમિયાન નિયમિત તપાસ થશે. નિયમભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.
સ્થાનિક નાગરિક ધર્મેન્દ્રભાઈએ કહ્યું કે બજારમાંથી ખરીદેલા ખાદ્યપદાર્થોની ગુણવત્તા વિશે ખબર નથી હોતી. આવી તપાસથી લોકોનો વિશ્વાસ વધશે. કેટલાક નાગરિકોએ નિયમિત તપાસની માંગ કરી છે. આરોગ્ય વિભાગે વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો વેચવાની સૂચના આપી છે. નિયમિત ચકાસણી દ્વારા નાગરિકોને સુરક્ષિત ખોરાક મળે તેની ખાતરી કરાશે. આ કાર્યવાહીથી વેપારીઓમાં સ્વચ્છતા અને ગાગવત્તા પ્રત્યે જાગતિ આવશે તેવી આશા છે