
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના બોરડી રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં યુવકના બંને પગ કપાયા,એક યુવકને માથામાં ઈજા, સારવાર અર્થે વડોદરા ખસેડાયા..
દાહોદ તા.15
દાહોદ જિલ્લાના બોરડી રેલવે સ્ટેશન પર આજે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, દહેરાદૂન એક્સપ્રેસમાં થાંદલા જવા નીકળેલા લીમખેડા ગામના દરજી સમાજના ચાર યુવકોમાંથી બે યુવકો સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
દાહોદના બોરડી સ્ટેશન પર ટ્રેનનું સ્ટોપેજ હોવાથી બે યુવકો ટ્રેનમાંથી ઉતર્યા હતા. થોડી વારમા ટ્રેન ચાલુ થતા ચાલુ ટ્રેનમા ફરી ચઢવાનો પ્રયાસ કરતી વખતે 18 વર્ષીય યુવરાજભાઈ ગોપાલભાઈ દરજી બેલેન્સ ગુમાવતા લપસી પડ્યા હતા અને ટ્રેનના નીચે આવી જતાં તેમના બંને પગ કપાઈ ગયા હતા જ્યારે 17 વર્ષીય નિવકુમાર કમલેશભાઈ દરજીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.ઘટનાની જાણ થતા બોરડી રેલવે સ્ટેશન અધિકારીઓએ તરત જ ટ્રેન રોકાવી હતી અને બંને યુવકોને ટ્રેન નીચેથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જ્યા યુવરાજની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેમને વડોદરાની હોસ્પિટલમાં રિફર કરાયા છે. જ્યારે નિવકુમારની સારવાર ઝાયડસ હોસ્પિટલમાં ચાલુ છે. જેમાં અકસ્માતની આ ઘટનાથી યુવકના પરિવારજનો સહિત લીમખેડા દરજી સમાજ અને ગામમા દુ:ખની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક લોકો અને પરિવારજનો હોસ્પિટલ ખાતે એકઠા થયા છે. આ ઘટના બાદ સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની માગ ઉઠી છે.